Gujarat

સુરતના અમરોલીમાં ડુપ્લીકેટ સોપ બનાવવાનું નેટવર્ક ઝડપાયું

સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા વેદાંત ઈન્ડસ્ટ્રીઝ-03 પ્રગતિ ઈકો પાર્ક ખાતેથી કોપીરાઈટ એક્ટના ભંગ બદલ અમરોલી પોલીસે દરોડા પાડીને આરોપી વેપારીની ધરપકડ કરી છે. જાણીતી કંપની યામી ઘર શોપ પ્રા.લી.ના નામે ડુપ્લીકેટ કોસ્મેટિક સોપ બનાવી વેચાણ કરતા ઈસમ પર કંપનીના અધિકૃત અધિકારીની તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન પોલીસે રૂ. 1,81,200ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી સામે કાયદેસરના પગલાં ભર્યા છે.

કંપનીની ખાનગી તપાસમાં નકલી સાબુ બનાવતું કારખાનું ઝડપાયુંૉ અમદાવાદ ખાતે રહેતા અને પુણે સ્થિત યામી ઘર શોપ પ્રા.લી. કંપનીમાં ટ્રેડમાર્ક તથા કોપીરાઈટ રક્ષણ માટે ઓથોરાઈઝ્ડ પર્સન તરીકે ફરજ બજાવતા જયદીપભાઈ ભટ્ટી અને તેમના સાથી કર્મચારી સુભાષભાઈ ભુતોરીયાએ સુરતમાં ખાનગી રાહે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન અમરોલીના વેદાંત ઈન્ડસ્ટ્રીઝ-03 પ્રગતિ ઈકો પાર્કના ખાતા નંબર-05 વાલમ પ્રા.લી.મા તેમની કંપનીના ભળતા નામ અને ડિઝાઈનવાળા ડુપ્લીકેટ સાબુનું ઉત્પાદન અને વેચાણ થતું હોવાની વિગતો સામે આવી હતી.

પોલીસ અને પંચોની હાજરીમાં રેડ, 27 વર્ષીય જેમીલ ભરોળીયાની સ્થળ પરથી ધરપકડ કંપનીના અધિકારીઓએ જરૂરી દસ્તાવેજો અને પાવર ઓફ એટોર્ની બતાવી અમરોલી પોલીસની મદદ માંગી હતી. જે બાદ પોલીસ સ્ટાફ અને બે પંચોને સાથે રાખીને પ્રગતિ ઈકો પાર્કના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા યુનિટમાં દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન સ્થળ પર હાજર 27 વર્ષીય આરોપી જેમીલભાઈ નરેશભાઈ ભરોળીયા (રહે. રામેશ્વર રેસીડેન્સી, નાયરા પેટ્રોલ પંપ પાસે, ઉતરાણ, સુરત) મળી આવ્યો હતો. પોલીસે તેની સ્થળ પર જ અટકાયત કરીને ધરપકડ કરી હતી.