Gujarat

હાંસલપુરમાં ભારે વરસાદ, નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર પોલીસે 8 લોકોનું સલામત સ્થળાંતર કર્યું

માંડલ તાલુકાના હાંસલપુર ગામમાં સતત ભારે વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આ સ્થિતિમાં ફસાયેલા આશરે 8 જેટલા લોકોને હાંસલપુર પોલીસે તાત્કાલિક બચાવીને સલામત સ્થળે ખસેડ્યા હતા.

વરસાદી પાણી ભરાઈ જતાં સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હાંસલપુર પોલીસની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

પોલીસે સ્થાનિક લોકોની મદદથી પાણીથી ઘેરાયેલા વિસ્તારોમાંથી વૃદ્ધો, મહિલાઓ અને બાળકો સહિત 8 વ્યક્તિઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. તેમને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા.

આ ઉપરાંત, પોલીસે લોકોને બિનજરૂરી રીતે પાણી ભરાયેલા વિસ્તારોમાં ન જવા અને સાવચેતી રાખવા અપીલ કરી હતી. પોલીસની આ સમયસર અને માનવતાભરી કામગીરીને કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી અને અસરગ્રસ્તોને સમયસર સુરક્ષા મળી હતી, જેની સ્થાનિક લોકોએ પ્રશંસા કરી હતી.