Gujarat

નારણપુરાના વૃદ્ધ સાથે 15 લાખની છેતરપિંડી

શહેરના નારણપુરામાં રહેતા વૃદ્ધ પાસેથી મુંબઈના બે શખસે એકના ડબલ કરી આપવાનું કહી 15 લાખ રૂપિયા પડાવ્યા છે. વૃદ્ધે જિંદગી સારી રીતે નીકળે તે માટે બચત અને બેન્કમાંથી લોન લઈ ગઠિયાઓને 15 લાખ ટ્રાન્સફર કર્યા હતા. જો કે વૃદ્ધની મૂડી પણ પરત આપવામાં આવી ન હતી. જેથી વૃદ્ધે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

રોકાણ કરો તો બમણા પૈસા મળે તેવી લાલચ આપી નારણપુરામાં રહેતા 85 વર્ષીય વિનોદભાઈ સોનકુશરે નિવૃત જીવન જીવી રહ્યા છે. તેઓ અગાઉ આર્મીમાં ફરજ બજાવતા હતા. જે બાદ ઈસરોમાં સિક્યુરિટી તરીકે નોકરી કરતા હતા. તેમનો સંપર્ક મુંબઈના પ્રકાશ પીપુડકર સાથે થયો હતો. પ્રકાશ અને તેનો સાથી સુદેશ મુંબઈથી અમદાવાદ આવ્યા હતા.

આ બંનેએ વિનોદભાઈને જણાવ્યું હતું કે, તેમની કંપની બીજા ટ્રસ્ટમાં રોકડ જમા કરાવે તો તે ટ્રસ્ટ તેમની કંપનીમાં બમણા રૂપિયા આરટીજીએસથી બેંક એકાઉન્ટમાં આપે છે. વૃદ્ધે ઉંમર હોવાના કારણે લાલચમાં આવી જિંદગી સારી રીતે નીકળે તે માટે 15 લાખ રોકાણ કરવાનું નક્કી કર્યું હતું.

15 લાખ આપ્યા બાદ કોઈ રૂપિયા પરત ન આપ્યા વિનોદભાઈએ તેમના દાગીના ગીરવે મૂકીને 6.90 લાખ રૂપિયાની લોન લીધી હતી. આ ઉપરાંત તેમની બચતના પૈસા પણ ભેગા કર્યાં હતા. આ તમામ પૈસા ભેગા કરી 15 લાખ રૂપિયા પ્રકાશ અને સુદેશના કહેવાથી બેંક એકાઉન્ટમાં આરટીજીએસ મારફતે ટ્રાન્સફર કર્યાં હતા. પૈસા ટ્રાન્સફર કર્યા છતાં વિનોદભાઈને વર્ષો સુધી ન તો મૂડી પરત મળી કે ના કોઈ વળતર મળ્યું હતું. જેથી વિનોદભાઈએ પ્રકાશ અને સુદેશ વિરુદ્ધમાં નારણપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.