Gujarat

અમદાવાદમાં દરરોજ એક વ્યક્તિનું રોડ અકસ્માતમાં મૃત્યુ

ગુજરાત હાઇકોર્ટમાં ટ્રાફિક સમસ્યા, દબાણ, ખરાબ રસ્તા, રખડતા ઢોર જેવી સમસ્યાઓને લઈને એડવોકેટ અમિત પંચાલ દ્વારા કન્ટેમ્પ્ટ અરજી દાખલ કરવામાં આવી છે. જેની છેલ્લી સુનાવણી અનુસાર, અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 2026ની નવી વિસ્તૃત ટ્રાફિક અને રોડ સેફ્ટી પોલિસી કોર્ટના રેકોર્ડ પર રજૂ કરવામાં આવી છે.

આ પોલિસી અંતર્ગત શહેરમાં ટ્રાફિક નિયંત્રણ અને સુરક્ષા માટે AI કેમેરાનો ઉપયોગ વધારવા, નવા 2,000 TRB જવાનોની ભરતી કરવા અને ટ્રાફિકના નિયમભંગ બદલ ઓટોમેટિક પેનલ્ટી સિસ્ટમ વધુ મજબૂત કરવાના મહત્વના નિર્ણયો લેવાયા છે. માહિતી મુજબ 1 એપ્રિલ, 2025થી 31 માર્ચ, 2026 દરમિયાન શહેરમાં માર્ગ અકસ્માતમાં 454 લોકોએ જીવ ગુમાવ્યા છે. આમ, દરરોજ આશરે માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે.

નવી પોલિસીમાં 400 મોટા ટ્રાફિક સિગ્નલ સુધારવાની વાત આ પોલિસી એન્જિનિયરિંગ, એન્ફોર્સમેન્ટ, એનકરેજમેન્ટ, એજ્યુકેશન અને એવલ્યુશન આધારિત છે. આ પોલિસીમાં અમદાવાદની પાર્કિંગ પોલિસી, ટ્રાફિક જંકશનના ડિઝાઇન ડેવલોપમેન્ટ, રોડ ઉપરના માર્કિંગ, રોડ મુજબ ફૂટપાથની પહોળાઈ વગેરે જેવા મુદ્દાઓ વિશે માહિતી આપવામાં આવી છે.

આ પોલિસીમાં અમદાવાદના 400 મોટા ટ્રાફિક સિગ્નલને સુધારવા અને સેન્ટ્રલ સર્વર સાથે જોડવા વાત કરવામાં આવી છે. ટ્રાફિક નિયમોના પાલન માટે કેમેરા બેઝ ડિટેકશન, રીયલ ટાઈમ ડેટા અને નિયમોના ભંગ બદલ ઓટોમેટીક પેનલ્ટીની માહિતી મૂકવામાં આવી છે.