Gujarat

ક્રાઈમ બ્રાન્ચના અધિકારી બનીને લૂંટ કરનાર 4 ઝડપાયા

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે પોલીસ તરીકે ખોટી ઓળખ આપી રાહદારીઓને ધમકાવી રૂપિયા પડાવતી બનાવટી પોલીસ ગેંગના ચાર સાગરીતોની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી રોકડા રૂ. 1.30 લાખ, બે મોટરસાઇકલ તેમજ ગુજરાત પોલીસના સિમ્બોલવાળું માસ્ક સહિત કુલ રૂ. 2 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

તેઓ પૂર્વ વિસ્તારમાં રાત્રે એકલદોકલ લોકોને ટાર્ગેટ કરી તેમની પાસેથી રૂપિયા પડાવતા હતા. તેઓ ચહેરો ઢાંકવા માટે પોલીસના સિમ્બોલવાળું માસ્ક પણ પહેરતા હતા. હવે તેમના વધુ કાંડની તપાસ ચાલી રહી છે.

ધમકી આપીને અવાવરુ સ્થળે લઈ ગયા ને 1.60 લાખ પડાવ્યા ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જેબલિયાની ટીમે ઈસનપુર પોલીસ મથકમાં નોંધાયેલી એક ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી. ગત 22મી જુલાઈની રાત્રે જશોદાનગરથી નારોલ તરફ જઈ રહેલા એક વેપારીને ચાર યુવકોએ રસ્તામાં રોકી પોલીસ હોવાની ઓળખ આપી હતી અને ડરાવ્યો હતો.

આટલું જ નહીં, આ બનાવટી પોલીસે વેપારીને “તમે હોટલમાં ગેરકાયદે ધંધો કરો છો, તમારી સામે પોલીસ કેસ થશે, ઘરે જાણ કરીશું અને મીડિયામાં સમાચાર આપીશું તો તમારી બદનામી થશે,” તેવી ધમકી આપી તેને મણિનગરમાં અવાવરુ સ્થળે લઈ ગયા હતા. ત્યાં સ્કેનર મારફતે ઓનલાઈન રૂ. 1.60 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા.