Gujarat

પોરબંદરમાં ભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવતા પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીએ જિલ્લાના નાગરિકોને સાવચેતી રાખવા અને જિલ્લા તંત્ર તેમજ હવામાન વિભાગ દ્વારા સમયાંતરે જાહેર કરવામાં આવતી સત્તાવાર સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરી છે.

બિનજરૂરી બહાર ન નીકળવા અને જોખમી સ્થળોથી દૂર રહેવા અનુરોધ કલેક્ટરે જણાવ્યું છે કે ભારે વરસાદ દરમિયાન અત્યંત જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળવું જોઈએ. ખાસ કરીને નદી, ચેકડેમ, તળાવ, દરિયાકિનારા તેમજ પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું ટાળવું જરૂરી છે, કારણ કે આવા સ્થળોએ અકસ્માતની સંભાવના વધી જાય છે. નાગરિકોને પોતાની અને પરિવારની સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.

જરૂરી સામગ્રી અગાઉથી તૈયાર રાખવાની સલાહ ભારે વરસાદને કારણે અચાનક ઊભી થતી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને ઘરમાં અનાજ, પીવાનું પાણી, જરૂરી દવાઓ, ટોર્ચ, મોબાઇલ ચાર્જર અને પાવર બેંક જેવી આવશ્યક સામગ્રી અગાઉથી ઉપલબ્ધ રાખવાની પણ અપીલ કરવામાં આવી છે, જેથી કોઈપણ ઇમરજન્સી સમયે મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

વીજળીના જોખમોથી સાવચેત રહેવા સૂચના કલેક્ટરે વરસાદ દરમિયાન પાણી ભરાયેલા રસ્તાઓ પરથી વાહન ન ચલાવવા, વીજળીના થાંભલા, તૂટેલા વીજ વાયરો તેમજ જોખમી વૃક્ષોથી સુરક્ષિત અંતર જાળવવા જણાવ્યું છે. સાથે જ મોબાઇલ ફોન સંપૂર્ણ ચાર્જ રાખવાની સલાહ આપવામાં આવી છે, જેથી જરૂરિયાત સમયે સંપર્ક કરવામાં કોઈ અડચણ ન આવે.