Gujarat

તરસાલીમાં ધો. 9ની વિદ્યાર્થિની ગુમ

વડોદરાના તરસાલી બાયપાસ નજીક તીર્થ એક્ઝોટિકા વિસ્તારમાંથી 15 વર્ષીય સગીરા રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગઈ છે. ગત એપ્રિલ માસમાં માતાનું અવસાન થયા બાદ સગીરા સતત ડિપ્રેશનમાં રહેતી હતી. 2 ઓગસ્ટના રોજ સગીરા પોતાનો મોબાઈલ ઘરે મૂકીને નીકળી ગઈ હતી, જે અંગે પિતાએ ફરિયાદ નોંધાવતાં કપુરાઈ પોલીસે તપાસ હાથ ધરી છે.

માતાના મોત બાદ સગીરા તણાવમાં હતી ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે જોડાયેલા પિતાની ધોરણ-9માં અભ્યાસ કરતી દીકરીએ એપ્રિલ મહિનામાં બ્રેઈન હેમરેજના કારણે માતા ગુમાવ્યા બાદ તે સતત માનસિક તણાવમાં રહેતી હતી. ભણવામાં પણ તેનું મન લાગતું નહોતું.

ઘરે ફોન મૂકીને અચાનક ગાયબ થઈ ગત 2 ઓગસ્ટે સાંજે પિતા ઓફિસેથી ઘરે આવ્યા ત્યારે નાની દીકરી ઘરમાં નહોતી. સગા-સંબંધિઓ અને આસપાસ તપાસ કરવા છતાં તેની કોઈ ભાળ મળી નહોતી. સગીરા પોતાનો ફોન પણ ઘરે જ મૂકીને નીકળી ગઈ હતી.

રિક્ષામાં બેસતી સીસીટીવીમાં કેદ પરિવારે સોસાયટી અને તરસાલી ચોકડી આસપાસના સીસીટીવી તપાસતાં બપોરે આશરે સાડા ચાર વાગ્યે સગીરા ઓટો રિક્ષામાં બેસતી નજરે પડી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે સગીરાની ભાળ મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે.