Gujarat

લાલપુર પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપ્યો

લાલપુર પોલીસે જામનગરના આરબલુસ ગામની સીમમાં દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં 9,024 બોટલ વિદેશી દારૂ સહિત કુલ રૂ. 1.30 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જોકે, દરોડા દરમિયાન વાડી માલિક સહિત છ આરોપીઓ ફરાર થઈ ગયા હતા, જેમની શોધખોળ પોલીસે શરૂ કરી છે.

પોલીસે સ્થળ પરથી 9,024 બોટલ વિદેશી દારૂ (કિંમત રૂ. 69,55,548), 18,000 નંગ ઢાંકણાં (ચપલા) (કિંમત રૂ. 36 લાખ), એક મેસી ફર્ગ્યુસન 7250 ડીઆઈ ટ્રેક્ટર, ટ્રોલી અને કન્ટેનર ટ્રક સહિત કુલ રૂ. 1,30,55,548 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આ દરોડો લાલપુર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ટીનુભા બચુભા જાડેજાની ફરિયાદના આધારે તા. 4 ઓગસ્ટ, 2026 ના રોજ આરબલુસ ગામની એક વાડીમાં પાડવામાં આવ્યો હતો. ત્યાં વેચાણના હેતુસર સંતાડી રાખેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

આ ગુનામાં હરદેવસિંહ મંગળસિંહ જાડેજા, ભાવેશ જેઠા પરમાર, દશરથસિંહ વનરાજસિંહ જાડેજા, ટ્રેક્ટરના ચાલક-માલિક, કન્ટેનરના ચાલક-માલિક તેમજ સ્થળ પરથી નાસી ગયેલા કાળા રંગના સ્પોર્ટ્સ યુટિલિટી વાહન (એસયુવી)ના ચાલક-માલિક સહિત તપાસમાં ખુલાસો થાય તે તમામને આરોપી બનાવવામાં આવ્યા છે. તમામ આરોપીઓ હાલ ફરાર હોવાથી પોલીસે તેમની સઘન શોધખોળ શરૂ કરી છે.