Gujarat

ગોધરા પોલીસનું ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન

ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે સંચાર સાથી (CEIR) પોર્ટલની મદદથી ગુમ થયેલા 6 મોબાઇલ ફોન શોધી કાઢ્યા છે. આ તમામ ફોનની કુલ કિંમત રૂ. 1,14,687 છે, જે તેમના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા. પંચમહાલ જિલ્લામાં ગુમ થયેલા મોબાઇલ ફોન શોધીને તેમના મૂળ માલિકોને પરત અપાવવાની કામગીરી સતત ચાલી રહી છે. આ કામગીરીમાં ગોધરા શહેર બી ડિવિઝન પોલીસને વધુ એક સફળતા મળી છે.

પંચમહાલ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી અને જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાતના માર્ગદર્શન હેઠળ, જિલ્લામાં ગુમ અને ચોરી થયેલા મોબાઇલ ફોન શોધી કાઢવા માટે CEIR પોર્ટલનો અસરકારક ઉપયોગ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.

આ સૂચનાઓના અનુસંધાને, ગોધરા વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક બ્રિન્દા જાડેજાના માર્ગદર્શન હેઠળ, ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર એચ. બી. ગામેતી અને તેમની ટીમે કાર્યવાહી કરી હતી. તેમણે ગુમ થયેલા મોબાઇલની અરજીઓ SANCHAR SAATHI (CEIR) પોર્ટલ પર અપલોડ કરીને ટેકનિકલ માહિતીના આધારે તપાસ હાથ ધરી હતી.

પોલીસે શોધી કાઢેલા 6 મોબાઇલ ફોનમાં OPPO A53, VIVO Y28, VIVO Y300, SAMSUNG S21, VIVO Y285 અને OPPO A3X જેવા મોડેલનો સમાવેશ થાય છે.