સુરતના લિંબાયત વિસ્તારમાં મે મહિનામાં થયેલી ચર્ચિત આસિફખાન પઠાણની હત્યાના કેસમાં પોલીસે મુખ્ય સૂત્રધાર બિલ્ડર મોહમ્મદ હાસીમ કબુલ એહમદ સિદ્દીકીની ધરપકડ કરી લીધી છે. લિંબાયત પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.ડી.ચૌહાણે જણાવ્યું હતું કે આ સમગ્ર હત્યાકાંડમાં બિલ્ડર હાસીમ સિદ્દીકી પડદા પાછળ રહીને મુખ્ય સૂત્રધાર તરીકે કામ કરી રહ્યો હતો. આસિફખાનની હત્યા કરવા માટે તેણે ચાર ભાડૂતી હત્યારાઓને સોપારી આપી હતી.
આ કોન્ટ્રાક્ટ કિલિંગ માત્ર હત્યા પૂરતું સીમિત નહોતું, પરંતુ બિલ્ડરે આરોપીઓને એવી ખાતરી આપી હતી કે, હત્યા કર્યા બાદ જો તેઓ જેલ જશે, તો તેમના બાળકો અને પરિવારનો તમામ ભરણપોષણનો ખર્ચ, કોર્ટ-કેસ માટે વકીલની ફી અને જેલમાંથી બહાર આવ્યા પછી તેમને કાયમી નોકરી આપવાની જવાબદારી પણ પોતે ઉપાડશે.
દર મહિને 30 હજાર મોકલાતા: 3 મહિનામાં 3.60 લાખ ચુકવાયા પોલીસ તપાસ દરમિયાન એ ચોંકાવનારી હકીકત સામે આવી છે કે બિલ્ડર હાસીમ સિદ્દીકી મર્ડર કેસના 4 હત્યારાઓના પરિવારનું ઘર ચલાવતો હતો. હાસીમ સિદ્દીકી તેના પન્ટર (ખાસ માણસ) મારફતે હત્યારા કલીમુદ્દીન સિદ્દીકી, મોહંમદ દિલસાદ ઉર્ફે લાલા સલમાની, મોહંમદ શહજાદ સિદ્દીકી અને સોયેબ ઉર્ફે સલમાન ખાટીકના પરિવારોને દર મહિને 30,000ની રકમ પહોંચાડતો હતો.
છેલ્લા 3 મહિનાના સમયગાળામાં બિલ્ડરે હત્યારાઓના પરિવારોને કુલ 3.60 લાખની રકમ ચૂકવી આપી હતી. આ ઉપરાંત, આરોપીઓ સામે કોર્ટમાં ચાલતા કેસનો તમામ કાનૂની ખર્ચ અને અન્ય તમામ પ્રકારના ખર્ચ પણ બિલ્ડર હાસીમ પોતે જ ઉપાડી રહ્યો હતો.
વર્ષ 2017થી ચાલતી વર્ચસ્વની લડાઈમાં રચાયું હત્યાનું ષડયંત્ર પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક આસિફખાન પઠાણ અને બિલ્ડર હાસીમ સિદ્દીકી વચ્ચે વર્ષ 2017થી લિંબાયત વિસ્તારમાં વર્ચસ્વ જમાવવા બાબતે તીવ્ર દુશ્મનાવટ ચાલતી હતી. અગાઉ મૃતક આસિફખાનનો હત્યારા કલીમુદ્દીન સિદ્દીકી સાથે પણ મોટો ઝઘડો થયો હતો.
આ દુશ્મનાવટના કારણે આસિફખાનની હત્યા કરવા માટે હત્યારાઓએ સૌપ્રથમ તેના વતન ઉત્તર પ્રદેશમાં જાળ બિછાવી હતી. જોકે, વતનમાં પોતાના જીવનું જોખમ જણાતાં આસિફખાન વતન છોડીને સુરત આવી ગયો હતો. પરંતુ, બદલાની આગમાં બળતા કલીમુદ્દીન સિદ્દીકી અને તેના સગા મોહંમદ શહજાદ સિદ્દીકીએ સુરતમાં પણ આસિફખાનની રેકી કરી હત્યાનું ચોક્કસ પ્લાનિંગ ઘડી કાઢ્યું હતું.

