જૂનાગઢ જિલ્લો અને ગીરનો સરહદી વિસ્તાર એશિયાટીક સિંહ અને દીપડાઓનું મુખ્ય કુદરતી નિવાસસ્થાન છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી ખોરાક અને પાણીની શોધમાં હિંસક પ્રાણીઓ ગ્રામ્ય અને રહવાસી વિસ્તારો તરફ આવી ચડવાના બનાવો વધ્યા છે. માનવ અને પશુઓ પર હુમલાની ઘટનાઓને પગલે ગ્રામીણ વિસ્તારોમાં ભારે ભય ફેલાયો છે અને લોકો રાત્રે ખેતરોમાં જતાં પણ ડરી રહ્યા છે.
વન વિભાગની સતર્કતા અને સક્કરબાગ ઝૂની કામગીરી માનવ-પ્રાણી સંઘર્ષની ઘટનાઓને પગલે વન વિભાગ સંપૂર્ણપણે સતર્ક બન્યું છે. માનવ વસવાટમાં ઘૂસી આવતા કે ઈજાગ્રસ્ત પ્રાણીઓને પાંજરે પૂરીને જૂનાગઢના ઐતિહાસિક સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય ખાતે ખસેડવામાં આવે છે, જે વન્યજીવ સંરક્ષણ અને રેસ્ક્યૂનું મહત્ત્વનું કેન્દ્ર બન્યું છે.
ડીસીએફ રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, પ્રાણીસંગ્રહાલયમાં હાલ અંદાજિત 30થી 40 સિંહ અને આશરે 30 દીપડાઓને સુરક્ષિત રીતે રાખવામાં આવ્યા છે. તમામ પ્રાણીઓને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી (CZA) ની માર્ગદર્શિકા મુજબ યોગ્ય ખોરાક અને જાળવણી પૂરી પાડવામાં આવે છે. આસપાસના સમગ્ર વિસ્તાર કે લેન્ડસ્કેપમાંથી જ્યારે પણ કોઈ સિંહ કે દીપડો રેસ્ક્યૂ કરીને લાવવામાં આવે ત્યારે તેને અહીં યોગ્ય તબીબી તપાસ હેઠળ રાખવામાં આવે છે.

