ધોળકા તાલુકાના ઉતેલીયા ગામે તાજેતરમાં પૂરની પરિસ્થિતિ સર્જાતા પશુઓ માટે ઘાસચારાની ભારે તંગી ઊભી થઈ હતી. આ વિકટ સમયમાં તા.3 ઓગસ્ટ 2026ના રોજ અબોલ પશુઓની વહારે આવીને માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિમાં અબોલ જીવોની સ્થિતિ કફોડી બનતાં, ધોળકા પ્રાંત ઓફિસના શિરસ્તેદાર કુણાલભાઈ વાટલીયા સાથે ટેલિફોનિક સંપર્ક કરીને પશુઓ માટે ઘાસચારાની મદદ માંગવામાં આવી હતી.
પરિસ્થિતિની ગંભીરતા સમજીને કુણાલભાઈ વાટલીયા દ્વારા તાત્કાલિક 600 નંગ પરાળના ગંઠાની મદદ પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત, વર્ધમાન સેવા કેન્દ્ર ટ્રસ્ટ કલિકુંડના કુમારપાળભાઈ દેસાઈ, દીપકકુમાર વાડીલાલ શાહ તથા પંકજભાઈ ત્રિવેદીના સહયોગથી ભૂખ્યા માલઢોર માટે ઘાસચારાની સત્વરે વ્યવસ્થા ઉભી કરાઈ હતી. સમયસર ઘાસચારો મળી જતાં માલધારી સમાજ અને ગ્રામજનોમાં ખુશી અને આનંદની લાગણી છવાઈ ગઈ હતી. આ ભગીરથ અને સરાહનીય કાર્ય બદલ ઉતેલીયા ગામના પૂર્વ સરપંચ રવિરામ નાગરદાસ સાધુએ તમામ દાતાઓ, શિરસ્તેદાર તથા ટ્રસ્ટના હોદ્દેદારોનો આભાર વ્યક્ત કર્યો હતો.

