Gujarat

ગોધરામાં તહેવારો પૂર્વે શાંતિ સમિતિની બેઠક, SPની અધ્યક્ષતામાં કાયદો વ્યવસ્થાની સમીક્ષા, શંકાસ્પદ પ્રવૃત્તિ કે અફવાની પોલીસને જાણ કરવા અનુરોધ

ગોધરાના પોલીસ હેડક્વાર્ટર ખાતે આગામી તહેવારોને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવા માટે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠક જિલ્લા પોલીસ વડા ડૉ. હરેશ દુધાતની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા પોલીસ વડા ડૉ. હરેશ દુધાત ઉપરાંત DYSP બ્રિન્દા જાડેજા, LCB, SOG, તાલુકા પોલીસ સ્ટેશનના PI, તેમજ ગોધરા શહેરના A-ડિવિઝન અને B-ડિવિઝન પોલીસ સ્ટેશનના PI સહિત પોલીસ વિભાગના અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગોધરા શહેરના હિન્દુ અને મુસ્લિમ સમાજના મોટી સંખ્યામાં આગેવાનો પણ આ બેઠકમાં જોડાયા હતા. તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા, પરસ્પર ભાઈચારો અને સામાજિક સૌહાર્દ જાળવી રાખવા તેમજ કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહી પોલીસ તંત્રને સહયોગ આપવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

જિલ્લા પોલીસ વડા ડૉ. હરેશ દુધાતે તમામ સમાજના આગેવાનોને તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવા અપીલ કરી હતી. તેમણે કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ કે અફવા અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા અનુરોધ કર્યો હતો. બેઠક દરમિયાન બંને સમાજના આગેવાનોએ પોલીસ તંત્રને સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી.