Gujarat

નિપુણ ગુજરાત અભિયાન બાદ 12-13 ઓગસ્ટે 3,247 શાળામાં બાહ્ય મૂલ્યાંકન

‘નિપુણ ગુજરાત અભિયાન’ અંતર્ગત રાજ્યની શાળાઓમાં થયેલા શૈક્ષણિક કાર્યનું હવે બાહ્ય મૂલ્યાંકન કરવામાં આવશે. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (GCERT) દ્વારા આગામી 12 અને 13 ઓગસ્ટ, 2026 દરમિયાન શાળાઓમાં બાહ્ય મૂલ્યાંકન (Third Party Assessment) હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે જિલ્લાવાર બાહ્ય મૂલ્યાંકનકારોની પસંદગી કરી તેમને શાળાઓ ફાળવવામાં આવી છે.

રાજ્યના 6 ઝોન હેઠળ કુલ 3,247 શાળાઓનું બાહ્ય મૂલ્યાંકન કરવામાં આવશે. જોકે, વિભાગના પત્ર સાથે જોડાયેલી યાદીમાં દર્શાવેલા CRCના આંકડા મુજબ કુલ 2,649 CRCને આ પ્રક્રિયાની જવાબદારી સોંપવામાં આવી છે. બાહ્ય મૂલ્યાંકનકારોને શાળાઓમાં જઈને નિર્ધારિત પ્રક્રિયા મુજબ મૂલ્યાંકન કરવા સૂચના આપવામાં આવી છે.

‘નિપુણ ગુજરાત અભિયાન’નો મુખ્ય હેતુ બાળકોમાં પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન સહિતની મૂળભૂત શૈક્ષણિક ક્ષમતાઓ વિકસાવવાનો છે. અભિયાન બાદ થનારા આ બાહ્ય મૂલ્યાંકનથી શાળાઓમાં બાળકોની શૈક્ષણિક પ્રગતિનું વાસ્તવિક ચિત્ર મેળવવામાં મદદ મળશે. પરિણામોના આધારે જ્યાં જરૂરી હોય ત્યાં શિક્ષણની ગુણવત્તામાં સુધારા માટે આગળની કામગીરી હાથ ધરવામાં આવશે.