Gujarat

આસોજ ગામમાં 12 ફૂટ લાંબો મહાકાય મગર દેખાતા ફફડાટ, વન વિભાગની ટીમે મગરને રેસ્ક્યુ કર્યો

વડોદરા નજીક આસોજ ગામમાં 12 ફૂટ લાંબો મહાકાય મગર આવી ચડતા સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો હતો. મગરને જોતાં જ લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. સ્થાનિક યુવકો નીતિન પટેલ અને લાલુ નિઝામાની મદદથી રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી. વન વિભાગની ટીમે મહાકાય મગરનું સફળતાપૂર્વક સુરક્ષિત રેસ્ક્યુ કર્યો હતો અને વન વિભાગ ખાતે જઈ જવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 1960માં વિશ્વામિત્રી નદીમાં 50 મગરો હતા. જોકે, આજે વિશ્વામિત્રી નદીમાં 420થી વધુ મગરો છે. વડોદરા જિલ્લામાં વિશ્વામિત્રી નદી ઉપરાંત પણ દેવ, ઢાઢર, નર્મદા નદી અને વિવિધ તળાવોમાં મળીને કુલ 1 હજાર કરતાં વધુ મગરો છે.

મગર શેડયૂલ-1નું સંરક્ષિત પ્રાણી છે. નદી કે તળાવ તેના કુદરતી આવાસ છે. મગર જ્યારે પાણીમાં ઊતરે છે ત્યારે એ એની આંખ પર ગ્લેન્સ નાખે છે. તેથી એની વિઝિબિલિટી 60થી 70 ટકા ઘટી જાય છે. મગર પાણીમાં ઊઠતા તરંગોના આધારે શિકાર નક્કી કરે છે.

જ્યારે કોઇ નદીમાં કપડાં કે વાસણ ધોવે અથવા છબછબિયા કરે ત્યારે મગરને લાગે છે કે કિનારે તેનો કોઇ શિકાર પાણી પીવા આવ્યો છે. આ સંજોગોમાં મગર તેના પર હુમલો કરે છે. મગરના હુમલામાં કોઇ વ્યક્તિનું મોત થાય તો તેને સરકાર તરફથી 4 લાખ રૂપિયા વળતર ચૂકવવામાં આવે છે.