Gujarat

સુરત સિવિલ મેડિકલ કોલેજની હોસ્ટેલમાં વર્ષ પહેલાં રેગિંગની શંકાએ દરોડા બાદ તપાસ ઠપ્પ

સુરતની નવી સિવિલ હોસ્પિટલ સંલગ્ન મેડિકલ કોલેજમાં તાજેતરના ડો. હર્ષ પંડ્યાના આપઘાતા અને રેગિંગ મામલા બાદ હવે ભૂતકાળની ઘટનાઓ પણ સપાટી પર આવી રહી છે. આજથી આશરે એક વર્ષ પહેલાં પણ મેડિકલ કોલેજની હોસ્ટેલમાં એન્ટી રેગિંગ સ્ક્વોડ દ્વારા એક અચાનક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

જે તે સમયે પણ જુનિયર વિદ્યાર્થીઓ સાથે સતામણી કે રેગિંગ થતું હોવાની શંકા દ્રઢ બની હતી, પરંતુ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવાના બદલે સમગ્ર મામલે યોગ્ય તપાસ ન થતાં અને નરોવા કુંજરોવા જેવી નીતિ અપનાવવામાં આવતા આજે પરિસ્થિતિ વધુ વણસી હોવાનો ગણગણાટ શરૂ થયો છે.

રાત્રે 11 વાગ્યે સ્ક્વોડે પાડેલા દરોડામાં શંકાસ્પદ દૃશ્યો સર્જાયા હતા વિદ્યાર્થી સૂત્રોના જણાવ્યાં પ્રમાણે, આશરે એક વર્ષ પહેલાં એન્ટી રેગિંગ સ્ક્વોડને હોસ્ટેલમાં જુનિયર વિદ્યાર્થીઓને હેરાન કરવામાં આવતા હોવાની ગુપ્ત બાતમી મળી હતી.

જેના આધારે સ્ક્વોડની ટુકડીએ રાત્રિના આશરે 11 વાગ્યાના સુમારે હોસ્ટેલના એક રૂમમાં અચાનક સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. ચેકિંગ દરમિયાન સ્ક્વોડના સભ્યોએ જોયું કે સિનિયર ડોક્ટરો પલંગ પર બેઠા હતા, જ્યારે જુનિયર વિદ્યાર્થીઓ નીચું મોઢું રાખીને ઊભા હતા અને તમામ જુનિયરોના મોબાઈલ ફોન સાઈલન્ટ કરીને એક બાજુ મુકાવી દેવાયા હતા.