વડોદરામાં વિદેશમાં નોકરી અપાવવાના બહાને છેતરપિંડી આચરતા બે વિઝા એજન્ટો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અરવલ્લીના બાયડ તાલુકાના ચોઘલા ગામના ખેડૂત યુવક મીતકુમાર પટેલને દુબઈમાં વર્ક પરમિટ અપાવવાની લાલચ આપી વડોદરાના બે શખ્સે કુલ રૂ. 1.10 લાખ પડાવી લીધા હતા. નાણાં મેળવ્યા બાદ પણ વિઝા કે મેડિકલ ન કરાવી છેતરપિંડી આચરવામાં આવતાં યુવકે ફરિયાદ નોંધાવી છે.
ઇન્સ્ટાગ્રામ મારફતે સંપર્ક થયો હતો 2025માં યુવકનો સંપર્ક ઇન્સ્ટાગ્રામ મારફતે વડોદરાના વાસણા રોડ સ્થિત ‘સ્કાયબ્લીઝ ગ્રુપ’ના સંચાલક રાહુલ પ્રવિણભાઈ રાજપૂત સાથે થયો હતો. ગત 26 નવેમ્બર, 2025ના રોજ આર.કે. પ્લાઝા સ્થિત ઓફિસે મુલાકાત દરમિયાન દુબઈની નોકરી માટે રૂ. 1,30,000નો ખર્ચ થશે તેમ કહીને ઓનલાઇન માધ્યમથી તબક્કાવાર પૂરેપૂરી રકમ મેળવી લેવામાં આવી હતી.
ભાગીદારોની ગેરકાયદે માગણી અને ધમકી તમામ નાણાં ચૂકવી દીધા બાદ આરોપીના ભાગીદાર અક્ષય રજનીકાંત પટેલે (રહે. પોર જીઆઈડીસી, વડોદરા) પૂરતું પેમેન્ટ નથી મળ્યું તેમ કહી મેડિકલ કે ટિકિટ કરાવવાની ના પાડી દીધી હતી. તેણે યુવક પાસે ગેરકાયદે રીતે વધુ રૂ. 38,500ની માગણી કરી હતી અને રૂપિયા ન આપે તો પાસપોર્ટ પરત ન આપવાની ધમકી આપી હતી. સામા પક્ષે રાહુલ રાજપૂતે પાર્ટનરને નાણાં આપી દીધાનું કહી હાથ ઊંચા કરી લીધા હતા.

