Gujarat

તળાજાના વાવડીમાં આશાપુરા માતાના મઢમાંથી 100 ચાંદીના છત્તરોની ચોરી

ભાવનગરના તળાજા તાલુકાના મોટી વાવડી ગામે આવેલા આશાપુરા માતાના મઢમાંથી તસ્કરો તાળા તોડીને રૂ. 60 હજારની કિંમતના 1 કિલો વજનના 100 જેટલા ચાંદીના છત્તરો ચોરી ગયા હતા. તાજેતરમાં પાલીતાણા પોલીસે ઝડપેલા ચાર શખસે આ ચોરી કરી હોવાની કબૂલાત આપતાં મઢના સંચાલકે દાઠા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મઢના ભુવાએ ચોરીની જામ કરી મોટી વાવડી ગામે રહેતા અને આશાપુરા માતાના મઢનું સંચાલન કરતા શૈલેષભાઈ વાઘેલાના જણાવ્યા અનુસાર, મઢના ભુવાએ તેમને ફોન કરીને ચોરી અંગે જાણ કરી હતી. તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે અજાણ્યા તસ્કરોએ મઢના તાળા તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને ભક્તો દ્વારા માતાજીને અર્પણ કરાયેલા 100 જેટલા નાના-મોટા ચાંદીના છત્તરો (કિંમત રૂ. 60,000) ચોરીને ફરાર થઈ ગયા હતા.

પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા બનાવ સમયે પરિવાર દ્વારા તુરંત પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી નહોતી. જોકે, પાલીતાણા પોલીસે અલગ-અલગ ચોરીઓમાં સંકળાયેલા ચાર શખસની અટકાયત કરી પૂછપરછ કરતાં તેમણે વાવડી ગામના આશાપુરા માતાના મઢમાં પણ ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. આ જાણકારી મળ્યા બાદ મઢના સંચાલકે દાઠા પોલીસ મથકમાં પહોંચી ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે.