જામનગર-ખંભાળિયા હાઈવે પર મોટી ખાવડી નજીક મચ્છી માર્કેટ પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. એક મહિન્દ્રા બોલેરો પીકઅપ અને સીએનજી રિક્ષા વચ્ચે થયેલી ટક્કરમાં બે વ્યક્તિના મોત થયા હતા, જ્યારે ચાર અન્ય લોકોને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસ ફરિયાદ મુજબ, જીજે-૧૪-ઝેડ-૭૨૨૪ નંબરની મહિન્દ્રા પીકઅપના અજાણ્યા ચાલકે પોતાનું વાહન પૂરપાટ ઝડપે અને બેફિકરાઈથી ચલાવી સીએનજી રિક્ષાને સાઈડમાંથી ટક્કર મારી હતી. આ અકસ્માત મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યો હતો.
ટક્કરના કારણે રિક્ષામાં સવાર રાહુલકુમાર, રિક્ષા ચાલક કરણભાઈ, તેમજ મુસાફરો ઘોનો હેમ્બ્રમ અને તુરી પુર્તિ રોડ પર પટકાયા હતા. આ ઘટનામાં રાહુલકુમારને ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ઘોનો હેમ્બ્રમનું સારવાર દરમિયાન અવસાન થયું હતું. અન્ય ઈજાગ્રસ્તોમાં તુરી પુર્તિને માથા અને પગના ભાગે તથા રિક્ષા ચાલક કરણભાઈને પગના ભાગે ઈજાઓ પહોંચી હતી.

