જામનગર જિલ્લામાં કાળા કાચ કે ડાર્ક ફિલ્મ લગાવેલી કાર સામે કડક કાર્યવાહી કરવા પોલીસ ક્રાઇમ કોન્ફરન્સમાં સૂચના અપાઈ હતી. આ સૂચનાના પગલે જામનગર શહેર અને જિલ્લામાં સીસીટીવી કેમેરાની મદદથી આવા વાહનો પર નજર રાખી કાર્યવાહી શરૂ કરાઈ છે.
જામનગરના ધોરીમાર્ગો પર સીસીટીવી કેમેરા દ્વારા નજર રાખવામાં આવી રહી હતી. આ દરમિયાન એક કાર (નંબર GJ-10-DN-5112)ના કાચ પર ડાર્ક ફિલ્મ લગાવેલી હોવાનું સીસીટીવી સર્વેલન્સમાં જણાયું.
પોલીસે વિવિધ એપ્લિકેશન અને સર્વેલન્સની મદદથી કારના ચાલક અને માલિકની વિગતો મેળવી તેમને બોલાવ્યા હતા. પોલીસે કારના કાચ પરથી કાળી ફિલ્મ તાત્કાલિક દૂર કરાવી અને વાહનચાલક સામે દંડનીય કાર્યવાહી કરી.

સીસીટીવી સર્વેલન્સ (નેત્રમ) ટીમના પીએસઆઈ બી.બી. સિંગલ અને તેમની ટીમ, તેમજ ટ્રાફિક શાખાના પો.ઈન્સ. એસ.વી. ચૌધરી અને ટ્રાફિક સ્ટાફ દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરાઈ છે. જામનગર શહેર અને જિલ્લામાં ડાર્ક ફિલ્મ કે કાળા કાચવાળા વાહનો સામે વિશેષ ડ્રાઇવ ચાલી રહી છે.
સીસીટીવી કેમેરાની મદદથી આવા વાહનોની ઓળખ કરી સ્થળ પર અથવા પોલીસ સ્ટેશન ખાતે બોલાવી તપાસ અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ડાર્ક ફિલ્મ લગાવીને નીકળનારા કારચાલકોએ હવે પોલીસની ત્રીજી આંખ સમાન સીસીટીવી સર્વેલન્સથી સાવચેત રહેવું પડશે. નિયમભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરાશે.

