જામનગરમાં કાલાવડ નાકા બહારના ગરીબ નવાઝ પાર્ક-1 અને 2, સેટેલાઈટ, અલસફા સહિતના વિસ્તારોમાં આજે વહેલી સવારથી વીજ તંત્ર દ્વારા સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કરવામાં આવી હતી.
લાંબા સમય બાદ વીજચોરી અને વીજ જોડાણોમાં થતી ગેરરીતિને રોકવા માટે આ ઝુંબેશ શરૂ કરાઈ છે. ચેકિંગ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સુનિશ્ચિત કરવા માટે વ્યાપક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વીજ તંત્રની ટીમોએ રહેણાંક મકાનો અને અન્ય વીજ જોડાણોના મીટર, સર્વિસ વાયર તેમજ વીજ વપરાશની સઘન તપાસ હાથ ધરી હતી. સ્થળ પર જ વીજ જોડાણમાં કોઈ ગેરરીતિ કે વીજચોરી થઈ છે કે કેમ તેની ચકાસણી કરાઈ હતી.
અલગ-અલગ ટુકડીઓ બનાવીને એકસાથે અનેક સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મીટરમાં ચેડાં, વીજ જોડાણની નિયમિતતા અને વીજ વપરાશ તથા મીટર રીડિંગ વચ્ચેની વિસંગતતાની ઝીણવટભરી તપાસ કરાઈ હતી. પોલીસના ચુસ્ત બંદોબસ્તને કારણે વીજ તંત્રની ટીમોને કામગીરીમાં કોઈ મુશ્કેલી પડી ન હતી. આ કાર્યવાહીમાં વીજચોરી કે ગેરરીતિના કિસ્સા મળી આવશે તો નિયમ મુજબ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

