Gujarat

જામનગરના ગુલાબનગરમાં મહિલાની સોનાની ચેઇન સરેઆમ ચીલઝડપ થઈ

ગુલાબનગર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે સવાલો ઊભા કરતી ચિલઝડપની ઘટના સામે આવી છે. ગુલાબનગર સ્થિત દયાનંદ સોસાયટીમાં રહેતા જયશ્રીબેન કિશોરભાઈ પરમાર નામના મહિલા પોતાના ઘર નજીકથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અજાણ્યા તસ્કરે ક્ષણવારમાં તેમની નજર ચૂકવીને ગળામાંથી સોનાની ચેઇન આંચકી લીધી હતી.

બનાવ બનતા જ મહિલાએ બૂમાબૂમ કરી મૂકી હતી, પરંતુ તસ્કર આબાદ ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. પ્રાથમિક વિગત મુજબ આંચકી લેવાયેલા સોનાનો બે તોલાનો ચેઈન હતો. પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધવાના બદલે માત્ર અરજી લીધી. ​ઘટનાની જાણ થતાં જ પીડિત મહિલા જયશ્રીબેન પરમારે તાત્કાલિક સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે બનાવ અંગે મહિલાની ફરિયાદ સંબંધિત પ્રાથમિક અરજી સ્વીકારી લીધી છે.

જોકે, હાલ આ મામલે સત્તાવાર રીતે એફ.આઈ.આર. (FIR) દાખલ કરવામાં આવી નથી, પરંતુ પોલીસે અરજીના આધારે ત્વરિત તપાસ હાથ ધરી છે. પોલીસ ટીમે ઘટનાસ્થળ તેમજ આસપાસના વિસ્તારના સીસીટીવી ફુટેજ ચકાસવાની કામગીરી શરૂ કરી છે.