ગઢડા (સ્વા.) ખાતે આવેલી શ્રી ગઢડા કેળવણી સમાજ સંચાલિત શ્રીમતી કં.ર. વિ.ગો. કન્યા વિદ્યાલયમાં 22 ઓગસ્ટ, 2026ના રોજ ‘ત્રિવેણી ગૌરવ પર્વ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવવાનો, નિવૃત્ત થતા કર્મચારીને વિદાય આપવાનો અને દાતાશ્રીનું સન્માન કરવાનો હતો.

આ પર્વ દરમિયાન, માર્ચ-2026ની ધોરણ 10ની પરીક્ષામાં 90 ટકાથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીનીઓ ડાભી ધામી દીપકભાઈ, પીપળીયા નિધિ, બારડ આરાધ્યા રણજીતભાઈ, તલસાણીયા માધવી ગણેશભાઈ અને ગોહેલ ખુશીનું સન્માન કરાયું હતું. ધોરણ 12ની બોર્ડ પરીક્ષામાં 90 ટકાથી વધુ ગુણ પ્રાપ્ત કરનાર મકવાણા કૃપાલી જયંતીભાઈને પણ વિશેષ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં શાળાના સેવક કર્મચારી ચેતનાબેન જોષીનો નિવૃત્તિ વિદાય સમારોહ યોજી તેમને સન્માનિત કરાયા હતા. આ સાથે, શાળાને 4000 લીટર ક્ષમતાનો RO પ્લાન્ટ અને વોટર કુલર ભેટ આપનાર દાતા ઈરફાનભાઈ ખીમાણી અને તેમના પરિવારનું પણ શાળા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ગઢડા કેળવણી મંડળના પ્રમુખ સંજયભાઈ ઠાકર, ગઢડા નગરપાલિકા પ્રમુખ કિશોરભાઈ ખાચર, દાતા ઈરફાનભાઈ ખીમાણી, જયરાજભાઈ પટ ગીર, રાજુભાઈ ત્રિવેદી, અરવિંદભાઈ ડવ, મોહનભગત, હમીરભાઈ લાવડીયા, આર.ટી. પટેલ અને પિનાકીનભાઈ જોષી સહિત સમગ્ર શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.

