Gujarat

રાજુલામાં પરિવારે લોકમેળામાં જીતેલી કારના બદલે રોકડા મળ્યા

રાજુલામાં એક ગરીબ પરિવાર માટે લોકમેળો યાદગાર બની ગયો છે. લોકમેળાના ઇનામી ડ્રોમાં ટાટા પંચ કાર જીતનાર કાજલબેન લાલજીભાઈ રાઠોડને કારના બદલે 5.40 લાખ રૂપિયા રોકડા આપવામાં આવ્યા છે.

રાજુલા શહેરમાં દર વર્ષે રુદ્ર ગણ ગ્રુપ દ્વારા લોકમેળાનું આયોજન થાય છે. આ મેળામાંથી થતી આવકનો ઉપયોગ સેવાના કામો માટે કરાય છે. આ મેળામાં દર વર્ષે ઇનામી ડ્રો પણ રાખવામાં આવે છે, જેમાં આ વર્ષે પ્રથમ ઇનામ ટાટા પંચ કાર હતી.

મેળાના છેલ્લા દિવસે ઇનામી ડ્રો થયો. તેમાં રાજુલા શહેરના આર્થિક રીતે નબળા પરિવારના કાજલબેન લાલજીભાઈ રાઠોડનું નામ વિજેતા તરીકે જાહેર થયું. આ સાંભળીને પરિવારની ખુશીનો પાર ન રહ્યો. લાંબા સમય પછી પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો અને સભ્યોની આંખોમાં આંસુ આવી ગયા.

જોકે, પરિવારની આર્થિક સ્થિતિ જોઈને કાજલબેને કહ્યું કે, ભગવાને જે આપ્યું છે તે અમને સ્વીકાર્ય છે. પણ જો કારના બદલે રોકડ રકમ મળે તો અમને મકાન લેવામાં મદદ થશે અને તે અમારા માટે વધુ કામની રહેશે.