Gujarat

જામનગરમાં રિવાબા જાડેજાએ લાઇબ્રેરીનું લોકાર્પણ કર્યું

શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ જામનગર શહેરના વોર્ડ નંબર 2ના મચ્છરનગર વિસ્તારમાં 30 લાખ રૂપિયાના ખર્ચે નિર્મિત ‘વીર મહારાણા પ્રતાપ લાઇબ્રેરી કમ રીડિંગ રૂમ’નું લોકાર્પણ કર્યું હતું. આ સુવિધાથી વોર્ડ નંબર 2 અને આસપાસના વિસ્તારના વિદ્યાર્થીઓ, યુવાનો અને વાંચનપ્રેમીઓને એક જ જગ્યાએ અભ્યાસ અને જ્ઞાનવર્ધક પ્રવૃત્તિઓ કરવાની તક મળશે.

વાંચન સંસ્કૃતિને પ્રોત્સાહન અને સુવિધાઓ લોકાર્પણ પ્રસંગે રાજ્યમંત્રીએ લાઇબ્રેરીની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું અને ત્યાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ તથા નાગરિકો સાથે સંવાદ કર્યો હતો. આ લાઇબ્રેરી શરૂ કરવાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યેનો રસ વધારવાનો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારોને શાંત તથા અનુકૂળ વાતાવરણ પૂરું પાડવાનો છે. જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય પ્રોજેક્ટ્સ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ સેવા સંકલ્પ સાથે 22 જેટલા અલગ-અલગ સેવાકીય પ્રોજેક્ટ્સ પૂરા કરવામાં આવ્યા છે.

શિક્ષણ ક્ષેત્ર: વોર્ડ વાઇઝ લાઇબ્રેરી સંકલ્પ હેઠળ વોર્ડ નંબર માં લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જ્યારે વોર્ડ નંબર 4 અને 6માં નવી લાઇબ્રેરી માટે ખાતમુહૂર્ત કરાયું. આ ઉપરાંત રૂ. 15 કરોડના ખર્ચે જામનગર જિલ્લાની વિવિધ શાળાઓનું લોકાર્પણ કરાયું.

મહિલા અને બાળ કલ્યાણ: એક ટ્રસ્ટના સહયોગથી 300 ગંગાસ્વરૂપા બહેનોને રાશન કિટનું વિતરણ અને 200 થી વધુ સગર્ભા માતાઓને કુપોષણમુક્ત બનાવવા પૌષ્ટિક આહારની કિટ અપાઈ. મહિલાઓને આત્મનિર્ભર બનાવવા ગૃહ ઉદ્યોગની સ્થાપના કરવામાં આવી.

સન્માન અને પર્યાવરણ રમતગમત ક્ષેત્રે જામનગરનું નામ રોશન કરનાર ખેલાડીઓ તેમજ 100 ટકા પરિણામ લાવનાર શિક્ષકો અને શાળાઓનું સન્માન કરાયું. 5 સપ્ટેમ્બરે જામનગર-78 વિધાનસભા વિસ્તારમાં જન્મેલા બાળકોની વધામણી રૂપે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

આ કાર્યક્રમમાં મહંત દેવપ્રસાદ મહારાજ, સ્વામિનારાયણ મંદિર બેડી ગેઈટના સ્વામી ચત્રભુજદાસ , મેયર મોનિકાબેન વ્યાસ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, જિલ્લા વિકાસ અધિકારી નિશા, ડેપ્યુટી મેયર રાકેશ ડેર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેન મોનાણી, શાસક પક્ષના નેતા અમર મોદી, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા સહિત કોર્પોરેટરો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીએ સંગઠનના તમામ કાર્યકર્તાઓ અને નગરજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.