Gujarat

ગોધરામાં AC પાર્ટ્સની આડમાં વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું

પંચમહાલ જિલ્લામાં દારૂની હેરાફેરી સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) કાર્યવાહી કરી છે. ગોધરાના ઓરવાડા પીકઅપ સ્ટેન્ડ પાસે હાઇવે રોડ પરથી વિદેશી દારૂ ભરેલું ટાટા કન્ટેનર ઝડપી પાડવામાં આવ્યું છે. પોલીસે ₹22.68 લાખના દારૂ સહિત કુલ ₹49.61 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

પંચમહાલ-ગોધરા રેન્જના ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહની સૂચના અને પોલીસ અધિક્ષક ડૉ. હરેશ દુધાતના માર્ગદર્શન હેઠળ LCB PI એ.બી. વોરાની ટીમે દારૂની હેરાફેરી કરતા લોકો પર નજર રાખી હતી.

આ દરમિયાન PSI એચ.આર. જેતાવત અને LCB સ્ટાફ ઓરવાડા પીકઅપ સ્ટેન્ડ પાસે વાહન ચેકિંગ કરી રહ્યા હતા. તે સમયે દાહોદ તરફથી આવી રહેલા ટાટા કન્ટેનર નંબર RJ-27-GF-3948ને શંકાસ્પદ જણાતા તેને રોકવામાં આવ્યું અને તપાસ શરૂ કરાઈ.

કન્ટેનરમાં સેન્ટ્રલ એ.સી.ના પાર્ટ ભરેલા હતા. જોકે, કન્ટેનરની લંબાઈ પ્રમાણે અંદર ખુલ્લી જગ્યા ઓછી જણાતી હતી. વધુ તપાસ કરતા કન્ટેનરમાં પતરા મારીને અલગથી બનાવેલું ગુપ્ત ખાનું મળી આવ્યું. પોલીસે એ.સી.ના પાર્ટ નીચે ઉતારી, ગ્રાઇન્ડર મશીનથી પતરું કાપીને તપાસ કરતા છુપાવેલા ખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો મળ્યો.

પોલીસે ઓલ સીઝન અને રોયલ ચેલેન્જ વ્હિસ્કીની બોટલો તથા ક્વાર્ટરિયા મળી કુલ 6,312 નંગ દારૂ કબજે કર્યો છે. આ દારૂની કિંમત આશરે ₹22,68,121 થાય છે. દારૂ ઉપરાંત, દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલું ટાટા કન્ટેનર, એ.સી.ના પાર્ટ, મોબાઇલ ફોન અને બિલ-બિલ્ટીના કાગળો સહિત કુલ ₹49,61,015નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.