રાજ્યના વાતાવરણમાં ફરી એક વખત ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. અમદાવાદમાં વહેલી સવારથી વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં મોરબીના માળિયામાં સૌથી વધુ ૫ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.
ગીર સોમનાથના ઉના નજીક દરિયામાં વલસાડની ફિશિંગ બોટ ડૂબી ગઈ. ભાથોડા વિસ્તારમાં પથ્થર સાથે અથડાતા માઘવી નામની ફિશિંગ બોટ ડૂબી. ભારે પવન, વરસાદ અને ઉછળતા મોજાં વચ્ચે દરિયામાં સર્જાયો અકસ્માત. બોટ ડૂબતાં આસપાસ ફિશિંગ કરતી અન્ય બોટો મદદે દોડી આવી. બોટ ડૂબવા લાગતા ૧૨ માછીમારોએ દરિયામાં લગાવ્યો કૂદકો. તમામ માછીમારોને અન્ય બોટમાં સલામત રીતે લાવવામાં આવ્યાં. ઘટનાને લઈ મરીન પોલીસ અને ફિશરીઝ વિભાગે તપાસ હાથ ધરી.
પાટણ જિલ્લામાં મધરાતથી સવારના ૧૦ વાગ્યા સુધી એકધારો વરસાદ પડ્યા બાદ હવે જિલ્લામાં વરસાદી નુકસાનીના અહેવાલો સામે આવી રહ્યા છે.
શંખેશ્વરમાં ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. વરસાદને કારણે દીવાલ ધરાશાયી થવાની બે ઘટનાઓ બની છે. જાેકે, સદનસીબે બન્ને ઘટનામાં કોઇ મોટી જાનહાનિ થઇ નથી. ડિઝાસ્ટર વિભાગ પાસેથી મળેલી વિગત અનુસાર, શંખેશ્વરના ઇસ્લામપુરા વિસ્તારમાં એક મકાનની દીવાલ ધરાશાયી થઇ હતી જ્યારે બીજી ઘટનામાં વરસાદને પગલે પી.સી.પ્રજાપતિ વિદ્યાલયની દીવાલ ધરાશાયી થઇ હતી.
શામળાજીમાં દોઠ ઇંચ વરસાદ વરસ્યો. ભિલોડામાં સવા ઈંચ વરસાદ નોંધાયો. બાયડમાં એક ઇંચ કરતા વધુ વરસાદ. ધનસુરામાં પોણા ઇંચ જેટલો વરસાદ વરસ્યો. મેઘરજ વિસ્તારમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો. વરસાદી માહોલ ફરી જામતા ખેડૂતોમાં ખુશી છવાઈ. ગ્રામ્ય વિસ્તારમાં નદી-નાળામાં નવા નીર આવતા આનંદ.
દહેગામમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ. હવામાન વિભાગની આગાહી વચ્ચે દહેગામ તાલુકા અને શહેરમાં ધોધમાર વરસાદ. દહેગામ અને આસપાસના ગામોમાં મોડી રાતથી સવાર સુધી ચાર ઈંચ વરસાદ. રાત્રે બે થી સવારના આઠ વાગ્યા સુધી ચાર ઈંચ વરસાદ. ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. દહેગામ વૈભવ કોમ્પ્લેક્સ અને એમજી અમીન કોમ્પ્લેક્સમાં પાણી ભરાયા. મોડાસા રોડ અને નેહરુ ચોકડી પર પણ પાણી ભરાયા. વરસાદથી ખેડૂતોમાં રાહતની આશા બંધાઈ. પાકને વરસાદથી ફાયદો થવાની આશા. દહેગામમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી વાતાવરણમાં ઠંડક પ્રસરી.
અરવલ્લી જિલ્લામાં રાત્રિથી વહેલી સવાર સુધી ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. મેઘરજમાં માત્ર બે કલાકમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાતા આંબાવાડી અને ગાયત્રી સોસાયટીમાં પાણી ભરાયા હતા, જ્યારે મદની સોસાયટીના કેટલાક મકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતાં સ્થાનિકોને હાલાકી ભોગવવી પડી હતી.
મેઘરજ તાલુકાના માળકંપા, વાવકંપા અને રેલ્લાવાડા વિસ્તારમાં ખેતરો બેટમાં ફેરવાયા હતા. બીજી તરફ મોડાસામાં બે કલાકમાં અઢી ઈંચ જેટલો વરસાદ વરસતા બસપોર્ટ અને કલ્યાણ-૨ વિસ્તારમાં પાણી ભરાયા હતા. ટિંટોઈમાં ડુંગરાળ વિસ્તારનું પાણી રસ્તાઓ પર ફરી વળતાં રસ્તાઓ નદી જેવા બન્યા હતા. મેઘરજની વાત્રક અને માજુમ નદીમાં નવા નીર આવ્યા છે. મોડાસાની માજુમ નદીમાં પણ નવા નીર આવતા કોઝવે પર પાણી ફરી વળ્યા હતા. ભારે વરસાદ વચ્ચે પણ અંબાજી જતા પદયાત્રીઓનો પ્રવાહ યથાવત રહ્યો હતો. વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા સ્થાનિકોએ તંત્ર સમક્ષ માંગ કરી છે.
બનાસકાંઠા જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી વરસાદ વરસ્યો. પાલનપુર, ડીસા, દાંતા, અમીરગઢ, ધાનેરા, દાંતીવાડા, કાંકરેજ અને ઓગડમાં વરસ્યો વરસાદ. ડીસામાં સવા ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. ડીસાના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. જલારામ મંદિર સર્કલ પાસે કિડ્સ સ્કૂલ બહાર પાણી ભરાયા. શાળાની બહાર પાણી ભરાતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા. પાણીનો નિકાલ કરવા સ્થાનિકો અને શાળા સંચાલકોની માંગ. પાલનપુરમાં ૨ ઇંચ વરસાદથી જૂના બસ સ્ટેન્ડમાં પાણી ભરાયા. જૂના બસ સ્ટેન્ડના જાહેર રસ્તા પર વરસાદી પાણી ભરાયા. બસ સ્ટેન્ડના રસ્તાઓ પર પાણી ભરાતા મુસાફરો પરેશાન.
સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થવા પામ્યો છે. નર્મદા ડેમની હાલની જળ સપાટી ૧૩૭.૩૭ મીટર થઇ છે. નર્મદા ડેમની મહત્તમ જળ સપાટી ૧૩૮.૬૮ મીટરની છે. ડેમમાં ઉપરવાસમાંથી ૨૧,૩૧૨ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમમાંથી ૫૧,૨૧૨ ક્યુસેક પાણી નદી અને કેનાલમાં છોડાઈ રહ્યું છે.

