Gujarat

આણંદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત

શુક્રવારે વહેલી સવારથીજ આણંદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ છે. વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જાેવા મળ્યો હતો અને ત્યારબાદ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

આણંદના ગામડી વડ, વિદ્યાનગર રોડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. સતત વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ખાસ કરીને ટાઉન હોલ વિસ્તારમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.

તેમજ શહેરના નવા બસ સ્ટેન્ડ સહિતના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો. કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી રસ્તાઓ પર ભરાઈ જતાં વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

તો બીજી તરફ, આણંદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જાેવા મળ્યો હતો. લાંબા સમય બાદ સારો વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદના કારણે ગરમી અને બફારાથી લોકોને રાહત મળી છે.હાલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ યથાવત્ રહેતાં તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો અને પાણી ભરાવાની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.