રાજકોટ શહેરના મોરબી રોડ વિસ્તારમાં રહેતી અને મોડેલિંગના વ્યવસાય સાથે સંકળાયેલી 36 વર્ષીય યુવતી સાથે મેટ્રિમોનિયલ સાઇટ મારફતે પરિચય કેળવી વડોદરાના શખ્સે લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ગંભીર ઘટના સામે આવી છે. પીડિતાના જણાવ્યા મુજબ, વડોદરાના પાર્થ પરીખ નામના શખ્સે લગ્નનો વાયદો કરી, હોટેલમાં લઈ જઈ શારીરિક શોષણ કર્યું હતું અને બાદમાં ₹100ના સ્ટેમ્પ પેપર પર લગ્નનું ખોટું સોગંદનામું તૈયાર કરી હવસનો શિકાર બનાવી હતી. અંતે “પરિવારજનો અનુસૂચિત જાતિની દીકરી સાથે લગ્ન નહીં સ્વીકારે” તેમ કહી તરછોડી દીધી હતી અને વિરોધ કરતાં અંગત પળોના ફોટો-વીડિયો વાયરલ કરવાની ધમકી આપતાં બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.
શૂટિંગના બહાને અમદાવાદ લઈ જતો યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પરિવારે લગ્ન માટે ચાર વર્ષ અગાઉ મેટ્રિમોનિયલ સાઇટ પર પ્રોફાઇલ બનાવી હતી, જેના પર એક વર્ષ પહેલાં પાર્થ વિજયભાઈ પરીખની રિક્વેસ્ટ આવી હતી. પાર્થે પોતે અપરિણીત હોવાનું, પાર્ક ફ્રેશ કોલ્ડ સ્ટોરેજ અને પાર્ક સ્પેસ ગ્રુપમાં બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં ભાગીદાર હોવાનું જણાવ્યું હતું. યુવતીએ પોતે અનુસૂચિત સમાજમાંથી આવતી હોવાની સ્પષ્ટતા કરતાં પાર્થે પરિવારને કોઈ જ્ઞાતિબાધ ન હોવાની ખાતરી આપી હતી. ત્યારબાદ તે અવારનવાર રાજકોટ આવતો અને શૂટિંગ હોય ત્યારે કારમાં અમદાવાદ લઈ જતો હતો. ગત 21 માર્ચના રોજ શૂટિંગ પૂર્ણ થયા બાદ મોડું થઈ ગયું હોવાનું કહી શાપર ખાતે આવેલી ‘લોર્ડ્સ ઇકો ઇન’ હોટેલમાં લઈ ગયો હતો, જ્યાં લગ્ન કરવાનો અતૂટ વિશ્વાસ અપાવી યુવતીની મરજી વિરુદ્ધ જબરદસ્તીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા.
વાપી જઈ પરિવારને મળ્યો, વડોદરા લઈ જઈ ₹100ના સ્ટેમ્પ પર બોગસ સોગંદનામું કર્યું યુવતીએ પોતાના પરિવાર સાથે મુલાકાત કરાવતાં પાર્થ વાપી ગયો હતો અને ત્યાં પણ માતા-પિતા સમક્ષ લગ્ન કરવાની બાંહેધરી આપી હતી. ગત 11 ઓગસ્ટના રોજ પાર્થ વાપી પહોંચ્યો હતો અને “આજે આપણે લગ્ન કરવાના છે” તેમ કહી યુવતીને પોતાની સાથે વડોદરા લઈ ગયો હતો. ત્યાં તેણે ₹100ના સ્ટેમ્પ પેપર પર લગ્નનું સોગંદનામું કરાવ્યું હતું અને “હાલ આપણે રજિસ્ટર મેરેજ કરી લઈએ, પછી ધામધૂમથી સામાજિક લગ્ન કરીશું” તેમ કહી વોટ્સએપ પર લગ્નનું પ્રમાણપત્ર મોકલ્યું હતું, જે બોગસ હોવાની શંકા છે. આ સોગંદનામાની આડમાં આરોપી અલગ-અલગ સ્થળોએ યુવતી સાથે શારીરિક સંબંધ બાંધતો રહ્યો હતો અને અંગત પળોના ફોટો-વીડિયો પણ ઉતારી લીધા હતા.

