ગોંડલ તાલુકાના ચરખડી ગામના સરપંચ વિનુભાઈ મોહનભાઈ માવાણીને સરપંચ પદેથી દૂર કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી (DDO) અનંદુ સુરેશ ગોવિંદે ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૬૩ની કલમ-૫૭(૧) હેઠળ સત્તાના ખોટા ઉપયોગ બદલ આ કાર્યવાહી કરી.
સરપંચ વિનુભાઈ પર આરોપ છે કે તેમણે પંચાયતની એક જૂની જગ્યા, જેનું ભાડું વર્ષે રૂ. 250/- હતું, તે કોઈ ઠરાવ વગર રૂ. 3000/- કરી. પછી આ જગ્યા પોતાના પુત્ર અતુલ વિનુભાઈ માવાણીને ભાડે આપી દીધી.
તપાસમાં સામે આવ્યું કે, ભાડું ન ભરનાર અરજદાર સામે કાર્યવાહી કરી દબાણ હટાવ્યા બાદ, નિયમો વિરુદ્ધ પુત્રને જગ્યા ફાળવવા તલાટી પર દબાણ કરી રસીદ કઢાવાઈ. આ અંગત લાભ માટે એકતરફી નિર્ણય લેવાયો હતો.
સરપંચ વિનુભાઈએ ખુલાસો કર્યો કે આ આક્ષેપો રાજકીય અદાવતને કારણે છે. તેમણે દલીલ કરી કે પુત્રને વેપાર કરવાનો અધિકાર છે અને પંચાયતને નુકસાન થયું નથી. જોકે, DDOએ તેમનો ખુલાસો સ્વીકાર્યો નહીં.

