ડભોઇ નજીક આવેલી તરસાણા ચોકડી હાલના તબક્કે ગંભીર પ્રદૂષણ અને ગેરકાયદે કચરાના નિકાલનું મુખ્ય કેન્દ્ર બની ગઈ છે. આ વિસ્તારમાં એક તરફ સ્થાનિક લોકો જાહેરમાં કચરો ઠાલવી રહ્યા છે તો બીજી તરફ આસપાસ આવેલી ફેક્ટરીઓ દ્વારા ઝેરી કેમિકલયુક્ત કચરો, ગંદુ કેમિકલ અને જોખમી સામગ્રી અહીં ખુલ્લામાં ફેંકીને સળગાવી દેવાય છે.
ખુલ્લામાં બળતા કેમિકલના ધુમાડાને કારણે વાતાવરણ અત્યંત પ્રદૂષિત બન્યું છે અને આસપાસના રહીશો તેમજ રાહદારીઓનું શ્વાસ લેવું પણ મુશ્કેલ બની રહ્યું છે. જો સમયસર આ ગેરકાયદે પ્રવૃત્તિઓ પર લગામ નહીં લગાવાય અને ભવિષ્યમાં કોઈ અત્યંત જોખમી ઝેરી કેમિકલના કારણે આગ લાગવા કે ગેસ ગળતર જેવી મોટી દુર્ઘટના સર્જાશે, તો તેનો જવાબદાર કોણ રહેશે? તેવો ગંભીર પ્રશ્ન સ્થાનિક પ્રજા ઉઠાવી રહી છે.
સ્થાનિક રહીશોની માગ છે કે ડભોઇ નગરપાલિકા તંત્ર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ઘોર નિદ્રામાંથી જાગીને તરત પગલાં ભરે. સમગ્ર વિસ્તારમાં સાફ-સફાઈ હાથ ધરીને ગેરકાયદે કચરો ફેંકવા પર પ્રતિબંધ મુકાય તેમજ ચોકડી પર તાત્કાલિક સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવે. સીસીટીવી ફૂટેજના આધારે રાત્રિના અંધારામાં કેમિકલ અને કચરો નાખી જતાં વાહનો અને ફેક્ટરી સંચાલકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે, જેથી પ્રદૂષણ અટકે અને લોકોને કાયમી રાહત મળે.

