રાજકોટની 36 વર્ષીય મોડલ પર લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવાના કેસમાં ઘેરાયેલા વડોદરાના વેપારી પાર્થ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની દવાઓનો ઓવરડોઝ લઈને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. હાલ તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બીજી તરફ, વેપારીની પત્નીએ મોડલ સામે પતિને આપઘાતની દુષ્પ્રેરણા આપ્યાની પોલીસમાં અરજી કરતાં આ મામલો વધુ ગૂંચવાયો છે.
યુવતીની દુષ્કર્મ અને ફોટો-વીડિયો વાઇરલ કરવાની ફરિયાદ વેપારી પાર્થ મોડલને લગ્નનો વાયદો આપી, હોટેલમાં લઈ જઈ શારીરિક શોષણ કર્યું હતું. ત્યારબાદ ₹100ના સ્ટેમ્પ પેપર પર લગ્નનું ખોટું સોગંદનામું બનાવી સતત હવસનો શિકાર બનાવી હતી. અંતે “પરિવારજનો અનુસૂચિત જાતિની દીકરી સાથે લગ્ન નહીં સ્વીકારે” તેમ કહી તરછોડી દીધી હતી અને વિરોધ કરવા પર અંગત પળોના ફોટો-વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી હતી. આ અંગે રાજકોટના બી ડિવિઝન પોલીસે યુવતીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.
યુવતીના પોલીસકર્મી ભાઈ દ્વારા સતત ધમકીઓ મળતાનો આરોપ બીજી તરફ, વેપારીની પત્નીએ વડોદરાના જેપી રોડ પોલીસ સ્ટેશનમાં અરજી કરી આક્ષેપ કર્યો છે કે, મોડલે તેના પતિ પાસેથી નાણાં પડાવ્યા હતા અને રાજકોટ પોલીસમાં ફરજ બજાવતા તેના ભાઈ મારફતે સતત ધમકીઓ આપતી હતી. આ ત્રાસથી કંટાળીને વેપારીએ 19 સપ્ટેમ્બરે દવાનો ઓવરડોઝ લીધો હતો. આ મામલે જેપી રોડ પોલીસે હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા પાર્થ પરીખનું નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

