Gujarat

રેસકોર્ષમાં 1500 છાત્રોએ 40,000 ચો.ફૂટમાં ભારતના નકશાની માનવસાંકળ રચી

રાજકોટનાં રેસકોર્સ મેદાનમાં આજે ઇતિહાસ રચાયો હતો, જેમાં પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વનાં 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 1500 છાત્રો 40,000 ચોરસ ફૂટ (330 x 300 ફૂટ)ના વિસ્તારમાં ભારતના નકશા જેવા આકારની વિશાળ માનવસાંકળ બનાવી હતી. આ સાથે જ સૌરાષ્ટ્રની આગવી કલા અને સંસ્કૃતિ ઉજાગર કરવા અનાજ તેમજ બાંધણીથી 80 ફૂટના વિશાળ વર્તુળમાં પ્રાકૃતિક રંગોળી તૈયાર કરવામાં આવી છે.

જો કે, આ કાર્યક્રમ માટે મનપાનાં 200થી વધુ કર્મચારીઓને જુદી-જુદી જવાબદારી સોંપવામાં આવતા મનપા કચેરી ખાતે આવતા અરજદારોને હાલાકી ભોગવવી પડી હતી. તેમજ 35થી વધુ સિટીબસોમાં 1500 કરતા વધુ અલગ અલગ શાળાનાં બાળકોને અભ્યાસ મૂકીને રેસકોર્સમાં લાવવામાં આવતા તેમનો અભ્યાસ બગાડ્યો હતો. અને સિટીબસોની સેવા ઉપર પણ સામાન્ય અસર પડી હતી.

આજે “સેવાના રંગ, રાષ્ટ્રને સંગ” થીમ હેઠળ રેસકોર્ષમાં આયોજિત માનવ સાંકળમાં કુલ 1500થી વધુ છાત્રોએ એકસાથે જોડાઈને સ્વચ્છતા, એકતા અને સ્વચ્છ ભારતનો સશક્ત સંદેશ આપ્યો હતો. તેમજ અનાજ, બાંધણી અને સાડીઓથી સજ્જ 80 ફૂટની અનોખી રંગોળી સૌરાષ્ટ્રના સમૃદ્ધ વારસાની ઝલક રજૂ કરી હતી. આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી રિવાબા જાડેજા, રાજકોટ મનપાનાં પદાધિકારીઓ, સાંસદો, ધારાસભ્યો અને કોર્પોરેટરો હાજર રહ્યા હતા.