સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજિત વર્ષ 2026-27ના 54મા ‘હીરક સ્પંદન’ યુવક મહોત્સવનો આગામી તારીખ 9 ઓક્ટોબર, શુક્રવારના રોજ સવારે 9.30 કલાકે ન્યુ ઓડિટોરિયમ હોલ ખાતેથી પ્રારંભ થશે. જેમાં 33 સ્પર્ધામાં 2,363 વિદ્યાર્થીઓ ભાગ લેશે. જેમાં સૌથી વધુ પ્રાચીન રાસમાં 342 વિદ્યાર્થીઓ તો સમૂહ લોકવાદ્ય સંગીતમાં એક પણ વિદ્યાર્થીએ ભાગ ન લેતા આશ્ચર્ય જનમ્યું છે. ત્રણ દિવસ સુધી ચાલનારા આ સાંસ્કૃતિક મહાકુંભમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજો અને ભવનોના કલાકારો પોતાની કળાનું પ્રદર્શન કરશે.

યુવક મહોત્સવ દરમિયાન સાહિત્યિક, કલા, સંગીત, નાટ્ય અને નૃત્ય વિભાગની કુલ 33 જેટલી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વક્તૃત્વ, ડિબેટ, ગઝલ-શાયરી, રંગોળી, ચિત્રકળા, ક્લે મોડેલિંગ, લોકગીત, ભજન, પ્રાચીન રાસ, એકાંકી અને સ્કીટ જેવી લોકપ્રિય સ્પર્ધાઓ નીચે મુજબના સ્થળો પર યોજાશે. જે સ્પર્ધાઓ કન્વેન્શન બિલ્ડિંગ, ફિઝિક્સ ભવન, અમૂલ પાર્લર પાછળનું બિલ્ડિંગ, કાનજી ભૂટા બારોટ રંગમંચ અને ભાષા ભવન ખાતે સ્પર્ધાઓ યોજાશે.

