Gujarat

મારવાડી યુનિ.માં આપઘાત કરનાર વિદ્યાર્થીઓને NSUIએ શ્રદ્ધાંજલિ આપી

રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતે તાજેતરમાં ઘટેલી 2 દુઃખદ ઘટનામાં સોબર્નિકા વેંકટેશ અને હેમંત ગંધમ નામના 2 વિદ્યાર્થીઓએ આપઘાત કરીને પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ બનાવને પગલે રાજકોટ જિલ્લા NSUI પ્રમુખ ગૌરવ ખિમસુરિયાની આગેવાની હેઠળ એક વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ તેમજ શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં NSUIના અગ્રણીઓ, હોદ્દેદારો તેમજ યુનિવર્સિટીના 100 વિદ્યાર્થીઓ સ્વયંભૂ જોડાયા હતા અને મૃતક વિદ્યાર્થીઓની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

NSUIનાં જિલ્લા પ્રમુખ ગૌરવ ખિમસુરિયાએ જણાવ્યું હતું કે, અમારા દ્વારા આ સમગ્ર મામલે સરકાર સમક્ષ આ ઘટનાની નિષ્પક્ષ અને તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે તેવી ભારપૂર્વક માંગ કરવામાં આવી છે.

આ સાથે યુનિવર્સિટી મેનેજમેન્ટ દ્વારા મૃતક વિદ્યાર્થીઓના શોકગ્રસ્ત પરિવારજનોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. NSUI એ કૅમ્પસમાં સુરક્ષિત અને સાનુકૂળ શૈક્ષણિક વાતાવરણ જળવાઈ રહે તે બાબત પર પણ ભાર મૂક્યો છે. બંને આશાસ્પદ વિદ્યાર્થીઓના આકસ્મિક અવસાનથી કૅમ્પસ અને પરિવારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.