ગુજરાત ભાડા વિધેયકના વિરોધમાં વડોદરા વકીલ મંડળ દ્વારા શરૂ કરવામાં આવેલી અચોક્કસ મુદતની હડતાળ આજે છઠ્ઠા દિવસે પણ યથાવત રહી હતી. કોર્ટ પરિસરમાં મોટી સંખ્યામાં વકીલો એકત્ર થઈ બિલનો વિરોધ કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો. હડતાળના ભાગરૂપે વકીલોએ કોર્ટ પરિસરની બહાર ગુજરાત ભાડા વિધેયકની હોળી કરી હતી. વકીલોએ સૂત્રોચ્ચાર સાથે બિલનો વિરોધ નોંધાવી સરકાર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.
દરમિયાન કોર્ટ પરિસરમાં હડતાળને લઈને વકીલો અને અરજદારો વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. જેના પગલે થોડા સમય માટે વાતાવરણ તંગ બન્યું હતું. વકીલોએ વિધેયક પરત ખેંચવાની માંગ સાથે વિરોધ ચાલુ રાખવાની મક્કમતા વ્યક્ત કરી હતી.
વડોદરા વકીલ મંડળના સેક્રેટરી રિતેશ ઠક્કર એ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે જે કાળો કાયદો લાવવા જઈ રહી છે અને જે બિલ ખરડામાં પસાર થયું છે, તે બિલનો આજે વડોદરા વકીલ મંડળના તમામ વકીલશ્રીઓએ ઉપસ્થિત રહીને વિરોધ કર્યો છે. આજના કાર્યક્રમમાં વકીલોએ આ બિલની હોળી કરીને પોતાનો સખત વિરોધ વ્યક્ત કર્યો છે.
અમારી સખત માગણી છે કે આ કાળો કાયદો કોઈ પણ સંજોગોમાં પસાર ન થવો જોઈએ, રાજ્યપાલશ્રીની એના પર સહી ન થવી જોઈએ અને આ કાયદો પરત ખેંચાવો જોઈએ. આ કાયદો પરત લેવાથી વકીલો, ગુજરાતના તમામ નાગરિકો અને પક્ષકારોનું હિત જળવાઈ રહેશે.

