ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી હવે અત્યંત નિર્ણાયક અને રોમાંચક તબક્કામાં પહોંચી ચૂકી છે. રાજ્ય ચૂંટણી આયોગના સત્તાવાર ડેટા અને એસઆઈઆર SIR પછી જાહેર થયેલી પ્રાથમિક મતદાર યાદીના આંકડાઓ એક રસપ્રદ રાજકીય ચિત્ર રજૂ કરી રહ્યા છે. કાગળ પરની વસ્તી અને જમીન પરના વાસ્તવિક મતદારો વચ્ચેનો તફાવત તથા ગત ત્રણ ચૂંટણીઓનો 56 ટકા આસપાસનો સરેરાશ મતદાન ટ્રેન્ડ રાજકીય સમીકરણો બદલવા માટે પૂરતો છે.
આ વખતે એસઆઈઆર પછી યોજાઈ રહેલી પ્રથમ ચૂંટણી હોવાથી રાજકીય પક્ષો માટે માત્ર જીત મેળવવી જ નહીં પરંતુ નિરસતા તોડીને મતદાનની ટકાવારી ઊંચી લાવવી એ સૌથી મોટો અગ્નિપરીક્ષા સમાન પડકાર બન્યો છે.
આ વોર્ડ્સ સૌથી મોટા હોવાથી ‘ખેલ પાડનાર’ સાબિત થશે ગાંધીનગર મનપામાં કુલ 11 વોર્ડ અને 44 બેઠકો છે, જ્યાં કુલ વસ્તી 3,24,885 છે, જ્યારે એસઆઈઆર પછીની પ્રાથમિક મતદાર યાદી મુજબ કુલ મતદારોની સંખ્યા 2,58,918 થઈ છે. આંકડાકીય દ્રષ્ટિએ વોર્ડ નં. 11 માં વસ્તી 28,632 સામે વાસ્તવિક મતદારો 34,738 છે, વોર્ડ નં. 8 માં વસ્તી 30,358 સામે મતદારો 33,731 છે અને વોર્ડ નં.10 માં વસ્તી 30,740 સામે મતદારો 31,688 નોંધાયા છે. આ વોર્ડ્સ કદ અને મતદારોની બાબતમાં સૌથી મોટા હોવાથી ‘ખેલ પાડનાર’ સાબિત થશે.
ચૂંટણી જીતવા માટે આ મોટા વોર્ડ્સ પર પકડ જમાવવી પડે બીજી તરફ વોર્ડ નં. 3 માં વસ્તી 27,434 સામે મતદારો માત્ર 15,615 છે અને વોર્ડ નં. 5 માં વસ્તી 31,147 હોવા છતાં મતદારો માત્ર 13,303 જ છે.આ અસંતુલિત આંકડાઓ સીધી રીતે રાજકારણને પ્રભાવિત કરશે. વોર્ડ નં. 8, 9, 10 અને 11 માં મતદારોની સંખ્યા ઘણી મોટી હોવાથી ચૂંટણી જીતવા માટે આ મોટા વોર્ડ્સ પર પકડ જમાવવી અનિવાર્ય છે.

