Gujarat

લોન અપાવવાના બહાને 28.77 લાખની છેતરપિંડી

દીકરીના લગ્ન ધામધૂમથી કરવા માટે માત્ર 5 લાખની પર્સનલ લોન મેળવવાની આશામાં વડોદરાના એક નિર્દોષ કર્મચારી સાયબર ગઠિયાઓની ચુંગાલમાં ફસાયા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખાનગી ફાયનાન્સ કંપનીનાા સિનિયર અધિકારી તરીકે ઓળખ આપી ભેજાબાજોએ પ્રોસેસિંગ ફી, સર્વિસ ચાર્જ, NOC અને GST જેવાં વિવિધ બહાનાં હેઠળ ફરિયાદી પાસેથી કટકે-કટકે અધધધ ₹28.77 લાખ પડાવી લીધા હતા. છેવટે લોન ન મળતાં ઠગાઈનો અહેસાસ થતાં ભોગ બનનારે સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક સાધ્યો છે.

4% વ્યાજદરે લોન આપવાની લાલચ આપી જાળ બિછાવી તરસાલી વિસ્તારમાં રહેતા 55 વર્ષીય આધેડ પોર ખાતે આવેલી એક ખાનગી કંપનીમાં છેલ્લા 21 વર્ષથી ડિસ્પેચ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. દીકરીના લગ્નનું આયોજન હોવાથી તેમને ₹5 લાખની લોનની તાતી જરૂરિયાત હતી. આ દરમિયાન ગત 5 ઓગસ્ટ, 2026ના રોજ તેમના મોબાઇલ પર રાજ ગોપાલ કુંડુ નામના અજાણ્યા શખ્સનો કોલ આવ્યો હતો. તેણે પોતે બજાજ ફિનસર્વનો સિનિયર ઓફિસર હોવાનું જણાવી વાર્ષિક માત્ર 4 ટકાના રાહત દરે 6 વર્ષની મુદત માટે ₹5 લાખની લોન મંજૂર કરાવી આપવાની લાલચ આપી હતી.

પ્રોસેસિંગ ફીથી શરૂ કરી GSTના નામે લાખો પડાવ્યા શરૂઆતમાં લોન પ્રોસેસિંગ ચાર્જ પેટે ₹1950 માગવામાં આવતાં ફરિયાદીએ ઓનલાઇન ચૂકવી દીધા હતા. ત્યારબાદ સર્વિસ ચાર્જના નામે બે વખત 12,440 ટ્રાન્સફર કરાવ્યા હતા. વિશ્વાસ કેળવ્યા બાદ NOC પેટે ₹24,650 અને લોન પાસ થઈ ગઈ હોવાનું જણાવી GST પેટે ₹42,500 પડાવી લીધા હતા. અલગ-અલગ બેંક ખાતાઓમાં પૈસા જમા કરાવ્યા બાદ પણ આરોપીઓએ વારંવાર નવા ચાર્જીસના નામે પૈસાની ઉઘરાણી ચાલુ રાખી હતી.