Gujarat

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નકલી CISF અધિકારીને પકડ્યો

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે લાલદરવાજા પાસેથી નકલી CISFના અધિકારીની ધરપકડ કરી છે. આરોપી લાલદરવાજા પાસે રોફ જમાવવા માટે પેન્ટ પર CISFના DSPનું આઇકાર્ડ લગાવીને ફરતો હતો. પોલીસ તપાસમાં આરોપી પંજાબનો હોવાનું સામે આવ્યું છે. હાલ આરોપીની ધરપકડ કરીને કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

રોફ જમાવવા DSPનું આઇકાર્ડ લટકાવ્યું હતું ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે લાલદરવાજા સરદારબાગ પાસેથી એક શખ્સની અટકાયત કરી હતી. આ શખ્સની તપાસ કરતા તેના પેન્ટ પર CISFના DSPનું આઇકાર્ડ લટકાવ્યું હતું, જેથી ક્રાઈમ બ્રાન્ચે પૂછપરછ કરતા આ શખ્સનું નામ અઝમા એ સિકંદર કમ્બોઝ હોવાનું સામે આવ્યું હતું. આ શખ્સ પંજાબનો હોવાનું જાણવા મળ્યું હતું. જોકે આ વ્યક્તિ CISFમાં કોઈ અધિકારી નથી માત્ર રોફ જમાવવા માટે જ આઇકાર્ડ લગાવ્યું હોવાનું સામે આવ્યું છે.

ખોટી ઓળખ આપીને કોઈની પાસે પૈસા પડાવ્યા છે કે નહીં? નકલી CISFના અધિકારીની ધરપકડ કરીને કારંજ પોલીસને સોંપવામાં આવ્યો છે. કારંજ પોલીસે નકલી અધિકારી સામે ગુનો નોંધ્યો છે. આરોપી લાલદરવાજા જેવા ભીડભાડના વિસ્તારમાં ફરતો હતો જેથી આરોપીએ ખોટી ઓળખ આપીને કોઈની પાસે પૈસા પડાવ્યા હોય કે અન્ય કોઈ ઘટના બની હોય તેની તપાસ કરવામાં આવી રહી છે. નકલી અધિકારીની પૂછપરછ પોલીસે શરૂ કરી છે.