ગુજરાતમાં કમોસમી અને ભારે વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાનના મુદ્દે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તાત્કાલિક પગલાં ભરવા અપીલ કરી છે. તાજેતરમાં અમરેલી જિલ્લાના પ્રવાસ દરમિયાન તેમણે રસ્તામાં આવેલા ખેતરોમાં કપાસ સહિતના પાકની અત્યંત ચિંતાજનક સ્થિતિ જોઈ હતી. ખેડૂતો સાથે વાતચીત કરતાં તેમની મુશ્કેલીઓ અને ગંભીર આર્થિક પરિસ્થિતિનો પણ તેમને સીધો અનુભવ થયો હતો.
શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો મારફતે પણ ખેડૂતોની વાસ્તવિક સ્થિતિ લોકો સમક્ષ આવી છે. ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાંથી અનેક ખેડૂતોના ફોન આવ્યા હતા. ખેડૂતોની એક જ વિનંતી હતી કે, બાપુ, અમારા જિલ્લામાં પણ આવી જ સ્થિતિ છે, તમે અહીં પણ આવો. રાજ્યના 70 ટકાથી વધુ વિસ્તારોમાં ખેડૂતોની ગંભીર સ્થિતિ જોવા મળી રહી છે.
પાકને નુકસાન થતાં ખેડૂતોની આર્થિક મુશ્કેલીઓ વધી ખેડૂતો વર્ષભર મહેનત કરીને બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ, સિંચાઈ, મજૂરી અને અન્ય ખેતી ખર્ચ પાછળ મોટી રકમ ખર્ચે છે. તેમ છતાં પાકને નુકસાન થતાં તેમની આર્થિક મુશ્કેલીઓ વધી છે. પાકની નબળી સ્થિતિ, ઉત્પાદન ઓછું થવાની આશંકા અને બજારમાં યોગ્ય ભાવ ન મળવા જેવી સમસ્યાઓ ખેડૂતોને પરેશાન કરી રહી છે. ખેડૂતોની આ મુશ્કેલી માત્ર તેમની વ્યક્તિગત સમસ્યા નથી, પરંતુ રાજ્યની ખાદ્ય સુરક્ષા અને અર્થવ્યવસ્થા સાથે પણ જોડાયેલી છે.

