ગુજરાતમાં રેલવે મારફતે નશાકારક પદાર્થોની હેરાફેરીને ડામવા માટે હાથ ધરવામાં આવેલા મિશન સેફ સ્ટેશન અભિયાન અંતર્ગત એસઓજી અને એન્ટી નાર્કોટિક્સ વિંગ (ANW)ની સંયુક્ત ટીમે પુરી-અમદાવાદ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાંથી રૂા. 30.88 લાખથી વધુની કિંમતનો 61.770 કિલોગ્રામ ગાંજો ઝડપી પાડ્યો છે.
ટ્રેનના જનરલ કોચના આગળ-પાછળના કોરીડોર અને બે બાથરૂમમાંથી શંકાસ્પદ બેગો મળી આવી હતી. જોકે, તપાસ દરમિયાન આ બેગોનો કોઈ માલિક મળી આવ્યો ન હતો. જેથી ગાંજાનો જથ્થો બિનવારસી હાલતમાં કબજે કરી અજાણ્યા શખ્સ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસની મળતી માહિતી મુજબ, રેલવે ટ્રેન મારફતે આંતરરાજ્ય સ્તરે ગુજરાતમાં નશાકારક પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના આધારે પશ્ચિમ રેલવે વડોદરાની એન્ટી નાર્કોટિક્સ વિંગના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.પી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ અગાઉ અને એસઓજી પશ્ચિમ રેલવે વડોદરા કેમ્પ, સુરતના પોલીસ કર્મચારીઓએ 15 ઓક્ટોબરના રોજ ટ્રેનમાં ચેકિંગ હાથ ધર્યું હતું.
ટ્રેન નંબર 12843 પુરી-અમદાવાદ સુપરફાસ્ટ એક્સપ્રેસમાં પેટ્રોલિંગ દરમિયાન કાશીપુરા-સરાર રેલવે સ્ટેશન પહોંચે તે પહેલાં એન્જિન તરફના પ્રથમ જનરલ કોચમાં શંકાસ્પદ બેગો જોવા મળી હતી. એએસઆઈ ભરતભાઈ સોમાભાઈ અને પોલીસ હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ રણજીતસિંહે તપાસ કરતાં શંકાસ્પદ બેગો મળી આવી હતી. બેગોના માલિક અંગે મુસાફરોની પૂછપરછ કરવા છતાં કોઈ વ્યક્તિ સામે આવી નહોતી.

