વડોદરાની દિવાળીપુરા કોર્ટમાં ગઈકાલે ફરજ પરના બે પોલીસ કર્મચારીઓ પર હુમલો કરવાની ગંભીર ઘટના સામે આવી છે. કોર્ટ રૂમમાં શિસ્ત જાળવવા અંગે ટકોર કરતા ઉશ્કેરાયેલા શખસે કોન્સ્ટેબલને લાફો મારીને ગાળો આપી હતી. ત્યારબાદ આરોપીએ તેને પકડવા ગયેલા અન્ય પોલીસ કર્મચારી પર પણ હુમલો કરી ઈજા પહોંચાડી હતી. આ મામલે પોલીસે આરોપી ગૌરાંગ પટેલને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કોર્ટરૂમમાં પગ ચડાવી બેસવાની ટકોર કરતા હુમલો કર્યો દિવાળીપુરા કોર્ટના રૂમ નંબર A/33માં કોર્ટ વોચની ફરજ પર હાજર પોલીસ કોન્સ્ટેબલ નિતીન શાહે એક શખસને ખુરશી પર પગ ચડાવીને બેઠેલો જોયો હતો. કોન્સ્ટેબલે કોર્ટની મર્યાદા જાળવી યોગ્ય રીતે બેસવાની ટકોર કરતા તે શખસ ઉશ્કેરાઈ ગયો હતો. તેણે કોન્સ્ટેબલ સાથે બોલાચાલી કરીને મોઢા અને કાનના ભાગે મુક્કા તથા નખ મારી ઈજા પહોંચાડી હતી. સાથે જ કોર્ટની બહાર નીકળતાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
બીજા પોલીસ કર્મચારી પર પણ ગેટ પાસે હુમલો કર્યો આ બનાવ બાદ આરોપી ત્યાંથી ભાગવા લાગતા ASI મનોજભાઈએ તેને ગેટ નંબર 5 પાસે રોક્યો હતો. તેઓ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરવા જતા હતા ત્યારે આરોપીએ તેમના પર પણ હુમલો કર્યો હતો. આરોપીએ કપાળ અને આંખના ભાગે મુક્કા મારતા ASI મનોજભાઈને લોહી નીકળવા લાગ્યું હતું અને તેમને હોસ્પિટલમાં બે ટાંકા આવ્યા હતા. તપાસ દરમિયાન હુમલો કરનાર ગૌરાંગ પટેલ હોવાનું ખુલ્યું હતું, જે કેનેડાના PR ધરાવે છે અને અકોટા પોલીસે તેની ધરપકડ કરી છે.

