Gujarat

કચ્છમાં ગેરકાયદે ખનન માફિયાઓ સામે તંત્રની કડક કાર્યવાહી

નાયબ કલેક્ટર ભચાઉ અને અંજાર ખાણ-ખનીજ વિભાગની સંયુક્ત ટીમે કચ્છના રાપર અને ભચાઉ તાલુકામાં ગેરકાયદેસર રેતીના ખનન પર મોટી કાર્યવાહી કરી છે. કલેક્ટરની સૂચનાથી મદદનીશ કલેક્ટર અભિષેક પ્રમોદ તાલે અને ભુસ્તરશાસ્ત્રી કેયુર પંડયાની ટીમે વિવિધ સ્થળે દરોડા પાડ્યા હતા. લોદ્રાણીમાં 2 એકર વિસ્તારમાં ચાલતા ખનન સ્થળેથી 2 હિટાચી અને 3 ટ્રક સીઝ કરવામાં આવ્યા હતા. આ કામગીરીથી ખનન માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

દરોડા દરમિયાન કરોડોનો મુદ્દામાલ અને વાહનો જપ્ત કરાયા કાર્યવાહી દરમિયાન રાપરમાંથી ગેરકાયદે ખનીજ વહન કરતા 13 ટ્રકો અને જાટાવાડાની સાઇટ પરથી 1 ટ્રેક્ટર-કમ-લોડર જપ્ત કરવામાં આવ્યું હતું.

સુરજબારી ટોલ પ્લાઝા પરથી રોયલ્ટી વગરના 4 અને ઓવરલોડ 15 ટ્રકો ઝડપી પાડવામાં આવ્યા હતા. ભચાઉના આધોઈમાંથી વધુ 1 હિટાચી સીઝ કરાઈ હતી. પૂર્વ કચ્છ RTO દ્વારા ઓવરલોડ વાહનો સામે સ્થળ પર જ ₹3.60 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. સમગ્ર દરોડા દરમિયાન કુલ ₹8 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરાઈ છે.