વંથલી નગરપાલિકા દ્વારા અપાતા પીવાના પાણીની ગુણવત્તા અને ઓજત નદીમાં કથિત રેતી ખનનના મુદ્દે મહિલાઓએ નગરપાલિકા સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. શહેરની મુખ્ય બજારમાં મહિલાઓએ રેલી યોજી બંને મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ સાથે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. આ દરમિયાન ચીફ ઓફિસર અને નગરપાલિકા પ્રમુખની ગેરહાજરીને લઈને પણ મહિલાઓમાં નારાજગી જોવા મળી હતી.

મહિલાઓની રજૂઆત મુજબ, નગરપાલિકા દ્વારા વિતરણ કરવામાં આવતા પીવાના પાણીમાં તેલ જેવો પદાર્થ તરતો જોવા મળે છે. આ ઉપરાંત પાણી સાથે રેતી અને અન્ય કચરો પણ નળમાંથી આવતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં પાણીના ઉપયોગથી લોકોના આરોગ્ય સામે જોખમ ઊભું થવાની ભીતિ વ્યક્ત કરી મહિલાઓએ પાણીની ગુણવત્તાની તપાસ કરાવી શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવાની માંગ કરી હતી.

બીજી તરફ, ઓજત નદીમાં કથિત રીતે થઈ રહેલા રેતી ખનનનો મુદ્દો પણ વિરોધનું મુખ્ય કારણ બન્યો હતો. મહિલાઓએ આ પ્રવૃત્તિ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. રેતી ખનન મામલે જવાબદારો સામે તપાસ કરી ગેરકાયદે પ્રવૃત્તિ બંધ કરાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

