જામનગર જિલ્લાના તમામ 6 તાલુકાના ગામડાઓમાં પીવાના પાણીની વર્તમાન વિતરણ સ્થિતિમાં લગભગ 56 ટકા ગામ માટે નર્મદાના નીર સંજીવની સમા બની રહયા હોવાનુ ચિત્ર પ્રાપ્ત આંકડા પરથી ઉપસી રહયુ છે. જામનગર જિલ્લાના કુલ 428 ગામોમાંથી મોટાભાગના ગામોમાં નર્મદા આધારિત જૂથ યોજના અને સ્થાનિક સ્ત્રોત દ્વારા પાણી પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે. રોજ 75 એમએલડી જેટલુ પાણી નર્મદા પાઈપલાઈન મારફત મેળવવામાં આવે છે જ્યારે દસથી બાર એમએલડી ડેમ આધારીત યોજનાથી હાલ મળી રહ્યું છે.
સુમાહિતગાર સુત્રોમાંથી મળતી વિગત અનુસાર જામનગર જિલ્લાના 240 ગામો હાલ સંપૂર્ણપણે નર્મદા આધારિત જૂથ યોજના પર નભે છે. જ્યારે 34 ગામો ડેમ આધારિત જૂથ યોજના પર અને 152 ગામો સ્થાનિક સોર્સ (કુવા, બોર વગેરે) આધારિત પાણી મેળવી રહ્યા છે. જોકે, હજુ ચોમાસુ પુરુ જ થયુ છે ત્યારે જ જોડિયા અને જામજોધપુર તાલુકાના કુલ 2 ગામોમાં હાલ ટેંકર દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.

