Gujarat

જામનગરમાં દશેરાએ કોંગ્રેસે જ્ઞાનેશ કુમારના પૂતળાનું દહન કર્યું

જામનગરમાં વિજયાદશમી (દશેરા)ના પવિત્ર દિવસે શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિએ વિરોધ પ્રદર્શન કર્યું. કોંગ્રેસ કાર્યાલય ખાતે એકઠા થયેલા કાર્યકરો અને આગેવાનોએ જ્ઞાનેશ કુમારના પૂતળાનું દહન કરી સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો. શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ કહ્યું કે, દેશમાં લોકશાહી સામે મોટો ખતરો છે. વોટ ચોરી થઈ રહી છે અને જનતાના બંધારણીય અધિકારો છીનવાઈ રહ્યા છે. છેલ્લા એક મહિનાથી યુવાનો લોકતંત્ર બચાવવા રસ્તા પર ઉતર્યા છે.

તેમણે ઉમેર્યું કે, રાહુલ ગાંધીએ પણ આ ગંભીર મુદ્દે અવાજ ઉઠાવ્યો છે. ભાજપની સરકાર બનાવવામાં જ્ઞાનેશ કુમારે વોટ ચોરી કરાવી મહત્વની ભૂમિકા ભજવી છે. જનતાનો મતાધિકાર અને દેશનું સંવિધાન સુરક્ષિત રહે તે માટે આ પૂતળાદહન કરાયું.

દિગુભા જાડેજાએ જ્ઞાનેશ કુમારના તાત્કાલિક રાજીનામાની માંગ કરી. તેમણે ચીમકી ઉચ્ચારી કે, આગામી દિવસોમાં પણ બંધારણ અને લોકતંત્રની રક્ષા માટે આંદોલન વધુ તેજ બનાવાશે.