વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા 64 વર્ષીય સરકારી કોન્ટ્રાક્ટરના કામ સાથે સંકળાયેલા વેપારી સાથે વેડિંગ ઇન્વિટેશનની APK ફાઇલના માધ્યમથી 17 લાખ રૂપિયાથી વધુની સાયબર છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે.
64 વર્ષીય સિનિયર સિટીઝનને તેમના મિત્રના વોટ્સએપ નંબર પરથી લગ્નના આમંત્રણની APK ફાઇલ મળી હતી. તેમણે આ ફાઇલ ડાઉનલોડ કરીને ઓપન કરી હતી. ત્યારબાદ તેમના અને તેમની પત્નીના અલગ-અલગ બેંક ખાતામાંથી કુલ 17,04,076 રૂપિયા ઉપડી ગયા હતા.
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝન સરકારી કોન્ટ્રાક્ટરનું કામ કરે છે. ફરિયાદ મુજબ, ગત 20 માર્ચ, 2026ના રોજ તેમના મિત્રના મોબાઈલ નંબર પરથી લગ્નના આમંત્રણની APK ફાઇલ મળી હતી. ફરિયાદીએ આ ફાઇલ ડાઉનલોડ કરીને ઓપન કરી હતી. બીજા દિવસે તેમના અન્ય મિત્રનો ફોન આવ્યો હતો અને તેમના નંબર પરથી તેમને પણ આવી જ APK ફાઇલવાળો મેસેજ મળ્યો છે.
23 માર્ચ, 2026ના રોજ સવારે આશરે 8 વાગ્યે ફરિયાદીએ પોતાનો મોબાઇલ તપાસતાં તેમના અને તેમની પત્ની સુધાબેનના બેંક ખાતામાંથી નાણાં ટ્રાન્સફર થયાના મેસેજ જોવા મળ્યા હતા. તેમની વિવિધ બેંકોનાં સેવિંગ્સ એકાઉન્ટ તેમજ તેમની પત્નીના બેંક ખાતામાંથી અજાણ્યા શખ્સોએ નાણાં ટ્રાન્સફર કરી લીધાં હતાં અને કુલ 17,04,076 રૂપિયાની રકમની છેતરપિંડી થઈ હતી.

