સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે જામનગર જિલ્લા પોલીસ વિભાગે ‘રન ફોર યુનિટી’નું આયોજન કર્યું હતું. રાષ્ટ્રીય એકતા અને સામાજિક સમરસતાનો સંદેશ આપવા યોજાયેલી દોડમાં નગરજનો સહિત મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.

દોડ જામનગર પોલીસ હેડક્વાર્ટરથી શરૂ થઈ હતી. ત્યાંથી સહભાગીઓ સંતોષી માતાના મંદિર થઈ સાત રસ્તા સર્કલ પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ એ જ માર્ગે પોલીસ હેડક્વાર્ટર પરત ફર્યા હતા. સરદાર પટેલે અખંડ ભારતના નિર્માણમાં યોગદાન આપ્યું હતું. તેમની જન્મજયંતી દર વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ રાષ્ટ્રીય એકતા, સામાજિક સમરસતા અને દેશપ્રેમની ભાવના મજબૂત કરવા શપથ લીધા હતા. મેયર મોનિકાબેન વ્યાસે દોડને પ્રસ્થાન કરાવ્યું હતું. તેમાં ધારાસભ્યો રાઘવજીભાઈ પટેલ, મેઘજીભાઈ ચાવડા અને દિવ્યેશભાઈ અકબરી જોડાયા હતા.

જામનગરના પ્રભારી સચિવ હર્ષદ પટેલ, જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યા, મહાનગરપાલિકાના કમિશનર દીપેશ કેડિયા, જિલ્લા પોલીસ વડા ડૉ. રવિ મોહન સૈની અને જિલ્લા વિકાસ અધિકારી નિશા પણ હાજર રહ્યાં હતાં. ડેપ્યુટી મેયર રાકેશ ડેર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેનભાઈ મોનાણી, પોલીસ જવાનો, વહીવટી તંત્રના અધિકારીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને નગરજનોએ પણ ભાગ લીધો હતો.

