Gujarat

હડિયાણા કન્યા શાળામાં શિક્ષિકાનો નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો

જોડિયા તાલુકાના હડિયાણા ગામે આવેલી PM SHRI હડિયાણા કન્યા શાળામાં શુક્રવારે મદદનીશ શિક્ષિકા ભારતીબેન એમ. ભીમાણીની નિવૃત્તિ નિમિત્તે સન્માન સમારોહ યોજાયો હતો. શાળામાં વર્ષો સુધી આપેલી તેમની શૈક્ષણિક સેવાઓને બિરદાવતાં ઉપસ્થિત મહાનુભાવોએ શુભેચ્છાઓ પાઠવી હતી.

કાર્યક્રમમાં જોડિયા તાલુકાના કેળવણી નિરીક્ષક કિશોરભાઈ ગજેરા, BRC જાગૃતિબેન રાણીપા, ભૂતપૂર્વ BRC જામી સાહેબ, CRC કનુભાઈ જાટિયા, હડિયાણા માધ્યમિક શાળાના સ્ટાફ મિત્રો, હડિયાણા તાલુકા શાળાના આચાર્ય રફીકભાઈ અમરેલીયા સહિતના શિક્ષકો, SMC અધ્યક્ષ બાબુભાઈ નકુમ, ઉપાધ્યક્ષ કુંદનબેન પાડલિયા, ભારતીબેનના પરિવારજનો, ભૂતપૂર્વ શિક્ષિકા ચંપાબેન કાનાણી, PM SHRI હડિયાણા કન્યા શાળાના આચાર્ય અરવિંદભાઈ મકવાણા, શાળા પરિવાર તથા બાલવાટિકાથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ભારતીબેન ભીમાણીએ શાળાને શૈક્ષણિક ઉપયોગ માટે રૂ.15 હજારની કિંમતનું સ્માર્ટ ટીવી અર્પણ કર્યું હતું. જ્યારે શાળાના ભૂતપૂર્વ SMC અધ્યક્ષ વિપુલભાઈ કાલાવડિયાએ પણ શાળાના વિકાસ માટે રૂ.15 હજારનું રોકડ અનુદાન આપ્યું હતું. નિવૃત્તિના પ્રસંગને શાળા પરિવાર દ્વારા યાદગાર બનાવવામાં આવ્યો હતો.