Gujarat

શંકાસ્પદ ન મળતાં તંત્રએ હાશકારો અનુભવ્યો

રાજ્યભરની જેલો અને ધાર્મિક સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈ-મેઈલ ડીજીપી કચેરીના મેઈલ આઈડી પર મળતા જ સમગ્ર રાજ્યની સાથે જામનગરમાં પણ પોલીસ તંત્ર દોડતું થયું છે. રાજ્યના પોલીસવડાની સૂચના મળતા જ જામનગર પોલીસ દ્વારા ચાંપતા પગલાં ભરી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

જામનગર સિટી બી ડિવિઝન, એસઓજી, બોમ્બ સ્કવોડ, ડોગ સ્કવોડ અને ફાયરબ્રિગેડની સંયુક્ત ટીમો દ્વારા જામનગર જિલ્લા જેલ તેમજ શહેરના સુપ્રસિદ્ધ સિદ્ધેશ્વર મહાદેવ, કાશી વિશ્વનાથ અને વિશ્વવિખ્યાત બાલાહનુમાન મંદિર ખાતે ચાંપતો બંદોબસ્ત ગોઠવી સઘન ચકાસણી કરવામાં આવી હતી. જામનગર જેલની તમામ બેરેક અને ખૂણે-ખૂણાની બારીકાઈથી તપાસ કરાઈ હતી. જોકે, તમામ સ્થળોએ તપાસ બાદ કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળી આવતા પોલીસ અને વહીવટી તંત્રે હાશકારો અનુભવ્યો હતો.

સુરક્ષાના પગલે જેલમાં સંબંધીઓને મળવા આવતા મુલાકાતીઓ, તેમના વાહનો તથા જેલમાં સપ્લાય પહોંચાડતા વાહનોનું કડક ચેકિંગ શરૂ કરી અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર અસ્થાયી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. બીજી તરફ, ધમકીભર્યો મેઈલ મોકલનાર અજાણ્યા શખ્સ સુધી પહોંચવા સાયબર ક્રાઈમ અને FSL નિષ્ણાતોની મદદ લેવામાં આવી રહી છે.